રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના આપઘાતને ‘તંત્ર દ્વારા હત્યા’ ગણાવી
copy image

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ-યુજી પરીક્ષા વિવાદ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, નીટના 22 લાખ વિદ્યાર્થી સાથે છેતરાપિંડી થઈ છે, પરંતુ વડાપ્રધાન મોદી આ મુદ્દે મૌન છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તેમણે માંગ કરી કે, ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક તેમના પદ પરથી હટાવવામાં આવે, નહીં તો વડાપ્રધાને તેની જવાબદારી લેવી જોઈએ. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `એક્સ’ પર લખ્યું કે, 22 લાખ નીટ વિદ્યાર્થી સાથે છેતરાપિંડી થઈ છે, પરંતુ મોદીજી એક પણ શબ્દ નથી બોલી રહ્યા. ધર્મેન્દ્ર પ્રધાનજીને હમણા જ હટાવો, નહીં તો જવાબદારી જાતે લો. રાહુલ ગાંધીએ નીટ પરીક્ષા રદ થયા બાદ બે વિદ્યાર્થીની કથિત આત્મહત્યાનો મુદ્દો ઉઠાવતાં સરકારને નિશાન બનાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપ સરકાર પરીક્ષા કૌભાંડીઓને રક્ષણ આપે છે, જ્યારે મહેનતુ વિદ્યાર્થીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, પરીક્ષાઓ રદ થયા બાદ વિદ્યાર્થીઓ માનસિક રીતે ભાંગી પડયા હતા. તેમણે લખ્યું કે, `આ બાળકો પરીક્ષાઓથી હાર્યા ન હતા, તેઓ ભ્રષ્ટ સિસ્ટમથી હારી ગયા હતા. આ આત્મહત્યા નથી, પરંતુ સિસ્ટમ દ્વારા હત્યા છે.’