કાશ્મીર પ્રવાસે ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી: બેના કમકમાટીભર્યા મોત
copy image

ઉનાળાના વેકેશનમાં કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના પરિવારો પર દુઃખનો પહાડ પડ્યો છે . અનંતનાગ જિલ્લાના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામ નજીક પ્રવાસીઓની એક ટવેરા કાર અચાનક રોડ પરથી સરકીને અંદાજે 15 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં અમદાવાદના બે પ્રવાસીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બે દંપતીઓ ખંડિત થયા છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના નવા વાડજ, ઘાટલોડિયા અને આસપાસના વિસ્તારના દંપતીઓ સહિતના પ્રવાસીઓની એક ટીમ કાશ્મીર પ્રવાસે ગઈ હતી. આગામી 20મી મેના રોજ તેમનો પ્રવાસ પૂર્ણ થવાનો હતો, તે પહેલાં જ શનિવારે સાંજના સમયે કાળ ત્રાટક્યુ હતું. પરિવારના સભ્યો ચાર ટવેરા કાર બંધાવીને પહેલગામ ખાતે સાઈટસીન (સ્થળ દર્શન) માટે નીકળ્યા હતા. આ દરમિયાન પહેલગામ-અરૂ રૂટ પરથી પસાર થતી વખતે ચાર પૈકીની એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પંદરેક ફૂટ ઊંડી ખાઈમાં જઈ પડી હતી. આ ગંભીર અકસ્માતમાં ટવેરા કારમાં સવાર બે અલગ-અલગ પરિવારના સભ્યો ભોગ બન્યા છે. અકસ્માતની જાણ થતાં જ અમદાવાદમાં રહેતા સ્નેહીજનો અને સગા-સંબંધીઓમાં ભારે આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. કાશ્મીરના સ્થાનિક વહીવટી તંત્રની મદદથી મૃતકોના પાર્થિવ દેહને અને ઇજાગ્રસ્તોને પરત અમદાવાદ લાવવા માટે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.