આ પ્રકારનાં હુમલા કોઈપણ હિસાબે મંજૂર ન થઈ શકે : ભારત

 અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ મુદ્દે ચાલી રહેલી વાતચીત વચ્ચે યુએઈમાં પરમાણુ વીજમથક ઉપર થયેલા મોટા હુમલા પછી ભારતે પણ પ્રતિક્રિયા આપતાં ભારે નારાજગી દર્શાવીને આકરા શબ્દોમાં આવા હુમલાની આલોચના કરી છે. ભારતે જણાવ્યું છે કે, આ પ્રકારનાં હુમલા કોઈપણ હિસાબે મંજૂર ન થઈ શકે. ભારતીય વિદેશ મંત્રાલયે એક અધિકૃત નિવેદન જારી કરીને આ હુમલા ઉપર ઉંડી ચિંતા પ્રગટ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, યુએઈમાં બરાક પરમાણુ કેન્દ્રને નિશાન બનાવીને કરવામાં આવેલો ડ્રોન હુમલો બેહદ ચિંતાજનક છે. આવી હરકતો સ્વીકાર્ય નથી. . અમે તમામ પક્ષકારોને જલ્દી સંયમ વર્તવા અને વાતચીત, કૂટનીતિનાં રસ્તે પરત ફરવાની અપીલ કરીએ છીએ. આ હુમલાથી યુએઈ પણ ભડક્યું છે અને તેને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે.