ભારત-નોર્ડિક દેશો ગ્રીન ટેક્નોલોજીનો સહયોગ વધારવાનો નિર્ણય

copy image

copy image

ભારત અને નોર્ડિક દેશોએ મંગળવારે પોતાના સંબંધોને ગ્રીન ટેક્નોલોજી અને ઇનોવેશન વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાનો નિર્ણય લીધો,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નોર્ડિક સમકક્ષો સાથે સ્વચ્છ ઊર્જા, ટકાઉપણું, નવીનતા, ઉભરતી ટેક્નોલોજી તેમજ અન્ય મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને વાતચીત કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઓસ્લોમાં ત્રીજી ભારત-નોર્ડિક સમિટ બાદ સંયુક્ત પ્રેસ નિવેદનમાં  મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને નોર્ડિક રાષ્ટ્રો `આતંકવાદ પર સ્પષ્ટ અને સંયુક્ત વલણ ધરાવે છે : કોઈ સમાધાન નહીં, કોઈ બેવડાં ધોરણ નહીં. મોદીએ કહ્યું હતું કે, વૈશ્વિક તણાવ અને સંઘર્ષોના આ યુગમાં, ભારત અને નોર્ડિક રાષ્ટ્રો નિયમો-આધારિત વૈશ્વિક વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. `યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, અમે સંઘર્ષોના વહેલા ઉકેલ અને શાંતિ તરફના પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખીશું.’ `લોકશાહી, કાયદાના શાસન અને બહુપક્ષીયતા પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતા આપણને કુદરતી ભાગીદાર બનાવે. વધુમાં મોદીએ જણાવ્યું  કે,` આજે, અમે ભારત-નોર્ડિક સંબંધોને ગ્રીન ટેક્નોલોજી અને ઇનોવેશન વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ ગ્રીન ટેક્નોલોજી ભાગીદારી સાથે અમે સમગ્ર વિશ્વ માટે વધુ સારું ભવિષ્ય સુનિશ્ચિત કરીશું. મોદીએ તેમના નોર્ડિકના સમકક્ષો સાથે અલગ-અલગ બેઠકોમાં ઊર્જા, ડિજિટલાઈઝેશન, વ્યાપાર સહિતના મુદ્દે વાતચીત કરી હતી. નોર્વેનો પ્રવાસ પૂર્ણ કરી મોદી ઈટાલી જવા રવાના થયા હતા.