સંરક્ષણ ક્ષેત્રમાં મોટી સફળતા: ભારતે કર્યું પોતાનાં `સૂર્યાસ્ત્ર’ રોકેટનું સફળ પરીક્ષણ
copy image

સંરક્ષણ ક્ષેત્રમાં મોટી સફળતા મેળવતાં ભારતે બુધવારે પોતાનાં `સૂર્યાસ્ત્ર’ રોકેટનું સફળ પરીક્ષણ કર્યું હતું. ખાનગી ક્ષેત્રની કંપની `નિબે લિમિટેડ’દ્વારા નિર્મિત આ ભારતની સ્વદેશી રોકેટ પ્રણાલી છે. મળતી માહિતી મુજબ ભારતની સૈન્ય તાકાત હવે માત્ર બ્રહ્મોસ મિસાઈલ પૂરતી સીમિત નથી રહી. દેશે હવે એક એવી સ્વદેશી લાંબા અંતરની રોકેટ સિસ્ટમ તૈયાર કરી છે, ત્યારે ઓરિસ્સાનાં ચાંદીપુર સ્થિત સંકલિત પરીક્ષણ રેન્જ પરથી 150થી 300 કિ.મી. રેન્જનાં બે રોકેટ આજે છોડાયાં હતાં. બન્નેએ સચોટ લક્ષ્યવેધ કર્યો હતો. પરીક્ષણમાં 150 કિ.મી. અંતરવાળાં રોકેટે લક્ષ્યથી માત્ર દોઢ મીટર દૂર અને 300 કિ.મી. રેન્જવાળાં સૂર્યાત્ર રોકેટે માત્ર બે મીટરનાં દાયરામાં નિશાન સાધ્યું. આ રોકેટ દુશ્મનનાં ઠેકાણાં પર પીન પોઇન્ટ એટલે કે, એકદમ સચોટ હુમલા માટે ડિઝાઇન કરાયું છે તેવું અધિકારીઓએ બતાવ્યું હતું. `સૂર્યાસ્ત્ર’ રોકેટનું મુખ્ય કામ યુદ્ધ વખતે દુશ્મનનાં કમાંડ સેન્ટર રડાર સાઇટ્સ, સૈન્ય ઠેકાણાં જેવાં મહત્ત્વનાં સ્થળો પર નિશાન સાધીને તબાહ કરવાનું છે. `સૂર્યાસ્ત્ર’ની બન્ને આવૃત્તિ સેના માટે અલગ-અલગ પ્રકારે ઉપયોગી બનશે. આજનું સફળ પરીક્ષણ ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આવી રહેલા મોટા બદલાવનું પ્રતીક છે.