આર્થિક તોફાન માથાં પર છે અને આપણા વડાપ્રધાન ઈટાલીમાં ચોકલેટો વહેંચી રહ્યા છે: રાહુલ ગાંધી
copy image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીને ભેટ આપેલી મેલોડી ચોકલેટ પર ભારતમાં રાજકીય ઘમસાણ સર્જાર્યું હતું. પ્રાથમિક વિગતો અનુસાર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીમાં જણાવ્યું કે, “આર્થિક તોફાન માથાં પર છે અને આપણા વડાપ્રધાન ઈટાલીમાં ચોકલેટો વહેંચી રહ્યા છે”. કોંગ્રેસ સાંસદનાં નિવેદન પર પલટવાર કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને જણાવ્યું કે “સતત મળી રહેલી હારની હતાશા હવે રાહુલના સ્વભાવ અને ચરિત્રમાં દેખાય છે.” એટલું જ નહીં, પરંતુ રાહુલ ગાંધીએ વિવાદસર્જક નિવેદન કરતાં એવું બોલી નાખ્યું હતું કે, “વડાપ્રધાન, ગૃહમંત્રી અને આરએસએસ `દગાબાજ’ છે”. કેસરિયા પક્ષે ગુસ્સાભેર પલટ જવાબ આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીનો વિરોધ કરવા માટે રાહુલ વિદેશી કઠપૂતળી બની ગયા છે. આ બેહદ દુર્ભાગ્યપૂર્ણ અને અરાજકતાવાદી માનસિકતાનું પ્રતીક છે. દેશના વડાપ્રધાનને દગાબાજ કહેવા દેશના 140 કરોડ લોકોનું અપમાન છે. રાહુલ દેશની માફી માગે, તેવું નબીને કહ્યું હતું. કોંગ્રેસ સાંસદે આરોપ મૂકયો હતો કે, ભૂલ માત્ર નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સંઘની છે. તેમણે બંધારણ ખતમ કરી નાખ્યું છે. ભારત દેશમાં કિસાનો, યુવાનો, મહિલાઓ, મજૂરો, નાના વેપારી સૌ રડી રહ્યા છે, ત્યારે આપણા વડાપ્રધાન હસીને રીલ બનાવી રહ્યા છે અને ભાજપવાળા તાળી વગાડી રહ્યા છે તેવા પ્રહાર રાહુલે કર્યા હતા. કોંગ્રેસ સાંસદે કહ્યું કે, આરએસએસના લોકો પણ સાંભળી લે, હું માફી નથી માગવાનો. વધુમાં રાહુલ ગાંધીએ આરોપ મૂકયા હતા કે ફરી કહું છું કે, મોદી અને અમિત શાહ દગાબાજ છે. તેમણે બંધારણ બદલી નાખ્યું છે. બંધારણ કહે છે કે, અનામત હોવી જોઈએ. ન્યાયતંત્રમાં ન્યાય હોવો જોઈએ, પરંતુ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બધુ ખતમ કરી નાખ્યું છે ભાજપ અધ્યક્ષ નબીને પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાહુલ ભારતીય રાજનીતિના `રાહુ’ છે, જે દેશનો માહોલ બગાડી રહ્યા છે. કોંગ્રેસના શાસનકાળમાં સરકાર આખી ભ્રષ્ટાચારમાં ડૂબેલી રહેતી હતી.