ભુજમાં યુવતીની છેડતી, સ્થાનિકોએ બે શખ્સોને પકડી પોલીસને સોંપ્યા…

ભુજ શહેરમાં દીપક સુથાર દવાખાના પાસેથી એન્જિનિયરિંગ કોલેજ તરફ જતા માર્ગ પર યુવતીની છેડતીની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક મળતી માહિતી મુજબ, ત્રણ યુવકો દ્વારા યુવતીનો વીડિયો ઉતરવાની કોશિસ સાથે અભદ્ર ઇશારા કરી છેડતી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક એકત્રિત થઈ ગયા હતા અને ત્રણેય યુવકોને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી એક યુવક લોકોની નજર ચૂકી તકનો લાભ લઈ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો, જ્યારે અન્ય બે યુવકોને સ્થાનિકોએ પકડી પાડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ બંને યુવકોને મેથીપાક ચખાવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પરિસ્થિતિ વધુ બગડે નહીં અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ ભુજ એ ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બંને આરોપી યુવકોને પોતાના કબ્જામાં લઈ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. હાલ સમગ્ર મામલે ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઈને લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે.