ઇબોલા વાયરસ મુદ્દે ભારત-આફ્રિકા બેઠક સ્થગિત
copy image

ભારત સરકારના આરોગ્ય સેવાના મહાનિર્દેશકનાં કાર્યાલયે ઇબોલા વાયરસ માટે એક જરૂરી એડવાઇઝરી જારી કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આફ્રિકામાં ઇબોલા વાયરસના પ્રકોપને ગંભીરતાથી ધ્યાને લેતાં ભારત – આફ્રિકા ફોરમ શિખર સંમેલન સ્થગિત કરી દેવાયું છે. સરકારે એડવાઇઝરીમાં જણાવ્યું હતું કે, તાવ આવે એટલે તરત તપાસ કરી દર્દીને 21 દિવસ સુધી તબીબી પરીક્ષણ હેઠળ રાખવાનો રહેશે. ખાસ કરીને વધુ જોખમવાળા દેશોમાં જઇને પરત આવતા યાત્રીઓ માટે આરોગ્ય મંત્રાલયની સૂચનાથી આ એડવાઇઝરી જારી કરાઇ હતી. વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ કાંગો, યુગાંડા અને દક્ષિણ સુદાનને `હાઇરિસ્ક’ એટલે વધુ જોખમવાળી શ્રેણીમાં રાખ્યા છે.આ દેશોમાંથી આવતા યાત્રીઓને તાવ, થાક, નબળાઇ, માથાંનો દુ:ખાવો, અંગમાં કળતર જેવાં લક્ષણો હોય તો તબીબી સારવાર અચૂક લેવી પડશે. એ સિવાય, ઝાડા, ઊલટી, ગળાંમાં બળતરા, રક્તસ્રાવ પણ ઇબોલાનાં લક્ષણ હોઇ શકે છે. આવાં લક્ષણવાળા યાત્રીઓએ તરત એરપોર્ટના અધિકારીઓને જાણ કરવાની રહેશે. દરમ્યાન, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આફ્રિકામાં આ વાયરસના પ્રકોપનાં કારણે ચોથું ભારત-આફ્રિકા ફોરમ શિખર સંમેલન સ્થગિત કરાયું છે. ભારત અને આફ્રિકા સંઘ સહમત થયા હતા.