નારાયણ સરોવર નજીકથી શંકાસ્પદ ડ્રોન મળ્યું

ગત તા 21/5ના રોજ નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના કોસ્ટલ પેટ્રાલિંગ યુનિટે લક્કી ત્રણ રસ્તા નજીકથી એક શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું છે, પોલીસને બાતમી મળેલ કે, તહેરા ગામ પાસે બાવળોની ઝાડીમાં એક અજાણ્યું ડ્રોન પડ્યું છે, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર પહોંચી તપાસ કરતાં એક કાળા રંગનું ઇલેક્ટ્રોનિક ડ્રોન મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ ડ્રોન 8:8 ઇંચની સાઈઝનું હોવાનું અને તેમાં ચાર લીલા રંગના પંખા લાગેલા હોવાનું સામે આવ્યું છે. ડ્રોનની અંદર વિવિધ સર્કિટ અને વાયરો પણ જોવા મળ્યા છે. ડ્રોન પર `ઇમેક્સ કો સિરીઝ મેડ ઇન ચાઇના 2004′ તેવું લખેલું છે, જે દર્શાવે છે કે, તે ચીન બનાવટનું છે. વધુમાં, ડ્રોન સાથે એક વાદળી રંગની બેટરી પણ મળી આવી છે, જેના પર પીળા રંગનો બેલ્ટ છે અને તેના પર `સ્પીડી બી’ તેવું લખાણ લખેલુ છે. જે સમયે ડ્રોન મળી આવ્યું ત્યારે તે બંધ હાલતમાં હતું. નારાયણ સરોવર પોલીસે ડ્રોનને કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ડ્રોન અહીં કેવી રીતે આવ્યું અને તેનો શું હેતુ હતો તે દિશામાં તપાસ શરૂ આદરી છે.