ભુજ ખાતે કચ્છ વર્તુળના સંયુક્ત ઉપક્રમે ‘આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરાઈ

ગુજરાત જૈવ વિવિધતા બોર્ડ-ગાંધીનગર દ્વારા કચ્છ વન વર્તુળ, ગુજરાત વન વિભાગ અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઇડ)-ભુજના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા. ૨૨ મે, ૨૦૨૬ના રોજ ભુજ ખાતે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૬’ ની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ અને જૈવવિવિધતાના જતન માટે નાગરિકોમાં વ્યાપક જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી આયોજિત આ વર્ષના કાર્યક્રમનો મુખ્ય વિષય “વૈશ્વિક અસર માટે સ્થાનિક પ્રયાસ” (Acting locally for global impact) રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી જૈવિક વિવિધતાના મહત્વ વિશે જાણકારી આપી હતી.
આ શૈક્ષણિક અને જાગૃતિ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કચ્છ વન વર્તુળના વન સંરક્ષકશ્રી ડૉ. ધીરજ મિત્તલે કચ્છમાં બાયોડાયવર્સિટી દિવસની ઉજવણી થઈ રહી છે તે વાતની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લો જૈવિક સંપદાઓથી સમૃદ્ધ જિલ્લો છે. ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ ગુનેરી ઈનલેન્ડ મેન્ગ્રુવ એ પ્રકૃતિની કચ્છને વિશેષ દેન છે. તેઓએ નાનામાં નાના જીવની પરવા કરીને જીવસુષ્ટિનું રક્ષણ કરવા જણાવ્યું હતું. શ્રી મિત્તલે બાયોડાયવર્સિટી દિવસની ઉજવણીની થીમ પર ભાર મૂકીને જણાવ્યું હતું કે, દુનિયામાં બાયોડાયવર્સિટીનું જતન કરવું હશે તો સ્થાનિકકક્ષાએ સંરક્ષણ પ્રયાસો થાય એ ખૂબ જ જરૂરી છે. બાયોડાયવર્સિટી દિવસની શુભેચ્છા આપીને તેઓએ સ્થાનિકલોકોને આજીવિકા પ્રાપ્ત થાય એવા પ્રોજેક્ટના અમલીકરણ માટે વનવિભાગ સતત પ્રયત્નશીલ છે તેમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત તજજ્ઞો દ્વારા જૈવવિવિધતાને લગતા વિવિધ વિષયો પર જ્ઞાનવર્ધક વક્તવ્યો આપવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગર બાયોડાયર્વસિટી બોર્ડના ડી.સી.એફ.શ્રી શ્રેયસ પટેલ દ્વારા ‘જૈવિક વિવિધતા અધિનિયમ-૨૦૦૨’, બોર્ડની વિવિધ કામગીરીઓ અને એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ માળખા વિશે ઉપસ્થિતોને વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. શ્રી શ્રેયસ પટેલે બાયોડાયવર્સિટી દિવસની ઉજવણી દરમિયાન કચ્છની જૈવ વિવિધતાની મુક્તમને પ્રસંશા કરી હતી. તેઓએ બાયોડાયવર્સિટી બોર્ડની રચના, કાયદાઓ, ગ્રામજનોની બાયોડાયવર્સિટી સંરક્ષણમાં ભૂમિકા વગેરે બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. સ્થાનિક લોકોને બાયડાયોવર્સિટીનું આર્થિક વળતર મળે તે રીતે ગુનેરી ઈનલેન્ડ મેન્ગ્રુવ સાઈટનો વિકાસ કરાશે તેમ તેઓએ ઉમેર્યું હતું.
ગાઇડ સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ. જયેશ ભટ્ટ દ્વારા બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી અને પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. શ્રી જયેશ ભટ્ટે ગ્રામજનોને બાયોડાયર્સિટીના ખરા સંરક્ષક ગણાવીને ગ્રામકક્ષાએ બાયોડાયવર્સિટી કમિટિનું ગઠન તેમજ યોગ્ય અમલીકરણ કરવા જણાવ્યું હતું.
પશ્ચિમ કચ્છ વન વિભાગના ડી.સી.એફ. શ્રી હર્ષ ઠક્કરે “જૈવવિવિધતા – માનવ જીવનનો અભિન્ન ભાગ” વિષય પર વક્તવ્ય આપીને રોજિંદા જીવનમાં પર્યાવરણ સંરક્ષણના અમલી પગલાંઓ વિશે સવિસ્તાર વાત કરી હતી. શ્રી હર્ષ ઠક્કરે ઉમેર્યું હતું કે, કચ્છ જિલ્લામાં નોંધાયેલા વન વિસ્તારો અને વન્યજીવોનું સંરક્ષણ એ આપણી સૌની સહિયારી જવાબદારી છે. કચ્છ બાયોસ્ફિયર રિઝર્વ વિસ્તાર જાહેર થયો છે ત્યારે તેનું સંરક્ષણ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. તેઓએ કચ્છની વિશેષ વનસ્પિત તેમજ વન્યજીવો વિશે સૌને વિસ્તારપૂર્વક સમજણ પુરી પાડી હતી.
ગાઇડના પ્રોજેક્ટ આસિસ્ટન્ટશ્રી વિવેક ચૌહાણે કચ્છ જિલ્લામાં જોવા મળતી વૃક્ષોની વિવિધતા અંગે રસપ્રદ માહિતી ફોટોગ્રાફ સાથે આપી હતી. જ્યારે સરહદ ડેરીના મધમાખી પ્રોજેક્ટ હેડશ્રી અનિલ કે.મહેતા દ્વારા મધમાખી ઉછેરના પર્યાવરણીય અને આર્થિક મહત્વ વિશે ઊંડાણપૂર્વક સમજણ પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ અને જૈવવિવિધતા સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વિશિષ્ટ વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ગુનેરી બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી સહિત વૃક્ષોના સંરક્ષણ કરનારા વિશિષ્ટ વ્યક્તિઓનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાની ભૌગોલિક, સામાજિક, આર્થિક અને પર્યાવરણીય વૈવિધ્યતાનો ખ્યાલ આપીને ગાઈડ સંસ્થાના ડીરેક્ટરશ્રી વી.વિજયકુમારે કચ્છના સંતુલિત વિકાસ માટે સૌને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ સુશ્રી તૃપ્તિ ગોહેલ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભુજ તાલુકા વિકાસ અધિકારીશ્રી દીક્ષિત ઠક્કર, નાબાર્ડના ડીડીએમશ્રી નિરજકુમાર સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના સંશોધકો, વિદ્યાર્થીઓ, વનવિભાગના અધિકારીશ્રો અને કર્મચારીશ્રીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.