ભારત અને અમેરિકા વૈશ્વિકહિત માટે સાથે મળીને કામ કરતા રહેશે:મોદી

copy image

copy image

મધ્ય-પૂર્વનાં યુદ્ધને પગલે સર્જાયેલી વૈશ્વિક કટોકટી વચ્ચે ભારતના ચાર દિવસના પ્રવાસે આવી પહોંચેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની બેઠકમાં બન્ને દેશ વચ્ચે સંરક્ષણ, પશ્ચિમ એશિયાના સંકટ, વ્યાપાર અને નવી ટેક્નોલોજી સહિતના મહત્ત્વના મુદ્દે વાતચીત થઈ હતી.  રૂબિયાએ જણાવ્યું હતું કે, અમે અમેરિકા ફર્સ્ટ વિઝા શિડયુલિંગ ટૂલ શરૂ કરવાના છીએ, જેનાથી બિઝનેસ પ્રોફેશનલ્સને ફાયદો થશે. ઈરાન સાથેનું યુદ્ધ હંમેશાં ચાલવાનું નથી, પણ અમે ઈચ્છીએ છીએ કે, હોર્મુઝની ખાડી ઝડપથી ખૂલી જાય. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વૈશ્વિકહિત માટે સાથે મળીને કામ કરતા રહેશે. આ પ્રવાસનું રાજકીય અને રણનીતિક મહત્ત્વ વધારે છે. આ બેઠકમાં રૂબિયોએ પીએમ મોદીને વ્હાઈટ હાઉસની મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું હતું. ભારત અને અમેરિકાના સંબંધોમાં આવેલી કડવાસ વચ્ચે રૂબિયોનો આ પ્રવાસ ડેમેજ કન્ટ્રોલનો ભાગ મનાય છે. રૂબિયોએ કહ્યું હતું કે, ભારત અમારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. મોદી અને ટ્રમ્પ ખાસ મિત્રો છે. ફેબ્રુઆરી 2025માં પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત બાદ આ પહેલી ઉચ્ચ સ્તરની બેઠક બની હતી, જેમાં અમેરિકી વિદેશમંત્રી ભારત પ્રવાસે પહોંચ્યા હતા. પ્રવાસની શરૂઆતે અમેરિકી વિદેશમંત્રીએ દિલ્હીમાં પીએમ મોદી સાથે બેઠક કરી હતી. દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક બાદ રૂબિયો આગરા રવાના થયા હતા. રૂબિયો સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક પોસ્ટ મારફતે કહ્યું હતું કે, ભારત અને અમેરિકા દુનિયાની ભલાઈ માટે સાથે મળીને કામ કરતા રહેશે.