ભુજના ન્યુ લોટસ કોલોની વિસ્તારમાં રસ્તાઓને નડતા દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી :લોકોમાં રોષ

copy image

copy image

ભુજ શહેરના લોટસ રિંગરોડ પર આવેલા વાલ્મીકિ  નગરમાં ભુજ શહેરી  વિકાસ  સત્તા  મંડળે હાથ ધરેલી દબાણ હટાવ કામગીરી સમયે તંત્રવાહકો અને સ્થાનિકો  વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે રિંગરોડ વિસ્તૃતીકરણ માટે નડતરરૂપ  એવાં દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું  હતું. માર્ગ-મકાન વિભાગ દ્વારા આ રિંગરોડને પહોળો કરવાનું આયોજન ઘડાયું છે ત્યારે આ  માટે અવરોધરૂપ દબાણો હટાવવા માટે ભાડા દ્વારા એક માસ પૂર્વે દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી.આ નોટિસ અનુસંધાને આ  કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ભાડાના સત્તાવાર વર્તુળોએ  વિગતો આપતાં જણાવ્યું હતું. આજે બપોરના અરસામાં  પોલીસ બંદોબસ્ત સાથે  ભાડા દ્વારા નગરપાલિકા અને  અન્ય વિભાગોનાં સંકલનમાં રહી આ  દબાણો હટાવાયાં હતાં. દબાણ હટાવ ઝુંબેશ સમયે સ્થાનિક રહેવાસીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમુક  વગદારોને સાચવવા માટે અમારા જેવા ગરીબ  પરિવારોના દબાણને દૂર  કરવામાં આવી રહ્યા છે. તત્કાલીન કલેકટરે અમને આ મુદ્દે ખાતરી આપી હતી. આ અધિકારીની બદલી થયા બાદ અચાનક જ આ ઝુંબેશ હાથ  ધરાયાનો ગંભીર આક્ષેપ કર્યો  હતો. દબાણ હટાવ કામગીરી સમયે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતાં પોલીસે તેમની  અટકાયત કરી હતી. ભુજ શહેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળના અધિકારીએ જણાવ્યું કે, રોડની બન્ને સાઈડમાં દબાણકારોને નોટિસ પાઠવાઈ હતી જે પૈકી કેટલાક દબાણો હટાવાયાં છે. અન્ય કેટલાક લોકોએ મુદત માગતાં હવે આઠવાડિયા બાદ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.