બકરી ઈદ પૂર્વે અમેરિકાનો ઈરાન પર હુમલો, ઇરાને કહ્યું દરેક હુમલાનો જવાબ અપાશે
copy image

યુદ્ધવિરામની વાટાઘાટો અને પ્રયાસો વચ્ચે અમેરિકાએ દક્ષિણ ઈરાનમાં હોર્મુઝની ખાડી પાસે મિસાઈલ લોન્ચના સ્થળો અને સુરંગ બિછાવતી નૌકાઓ પર હુમલો કરતાં ફરી એકવાર મધ્યપૂર્વમાં તનાવ વધ્યો છે. બીજી તરફ ઈરાને દાવો કરતાં જણાવ્યું છે કે , તેણે અમેરિકાનું એમક્યુ-9 બી ડ્રોન તોડી પાડયું છે અને ઈરાનના વિસ્તારમાં ઘૂસેલા એક યુદ્ધવિમાન પર પણ ગોળીબાર કર્યો છે. આઈઆરજીસીએ ચેતવણી આપી છે કે, અમેરિકા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે, તો ઈરાનને વળતા પ્રહારનો અધિકાર છે. આ વખતે તેમણે સીધા અમેરિકા અને તેના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની ધમકી આપી છે. જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં તણાવ વધુ ભડકવાની આશંકા ઊભી થઈ છે. ખોમેનીએ પોતાની ટેલિગ્રામ ચેનલથી અમેરિકાને ધમકી આપતાં જણાવ્યું હતું કે, ખાડી ક્ષેત્રની શક્તિઓ હવે અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ માટે ઢાલનું કામ નહીં કરે અને આ વિસ્તારમાં અમેરિકા માટે હવે કોઈ સુરક્ષિત આશ્રયસ્થાન નહીં રહે. આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે તેહરાન અને વાશિંગ્ટન છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે એક રૂપરેખા પર ચર્ચા કરી રહ્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જારી કરાયેલાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ હુમલાઓ સ્વ-બચાવમાં કરવામાં આવ્યા હતા અને તેનો હેતુ ઈરાની દળો દ્વારા ઊભા થયેલા જોખમોથી અમારા સૈનિકોને બચાવવાનો હતો. સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા ટિમ હોકિન્સે જણાવ્યું હતું કે, યુએસ સેના ચાલુ યુદ્ધવિરામ દરમિયાન સંયમ રાખીને તેના દળોનું રક્ષણ કરવાનું ચાલુ રાખે છે. ઈરાની મીડિયા આઉટલેટ એસએનએન અનુસાર હોર્મુઝ સ્ટ્રેટ નજીક દક્ષિણ લારાક ટાપુ પર અમેરિકા-ઈઝરાયલી હુમલામાં કેટલાક લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે, જે પૈકી ત્રણના મૃતદેહ મળી આવ્યા છે.