ગુજરાત વિધાનસભા માટે ઐતિહાસિક દિવસ, મોડી રાત્રે 3.40 વાગ્યા સુધી ચાલુ રખાયુ ગૃહ

ગુજરાતની સંસદીય પ્રણાલીકાનો આજે ઐતિહાસિક દિવસ રહ્યો છે. શુક્રવાર, તારીખ ૨૭મી જુલાઈ, ૨૦૧૯ની મધ્યરાત્રિએ બાર વાગ્યેને આઠમી મિનિટે આ ઇતિહાસ રચાયો હતો. આ દિવસે ચૌદમી વિધાનસભાનું ચોથું સત્ર સતત બાર કલાક અને નવ મિનીટથી વધુ સમય સુધી ચાલ્યું હતું. રાજ્યની આ બેજોડ અને તંદુરસ્ત લોકશાહીની પરંપરાને બિરદાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ઉપસ્થિત સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ તથા મીડિયાના મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયમાં પણ આવો જ પ્રેમભાવ આપ સૌમાં રહે અને લોકશાહી તંત્રને વધુ મજબૂત કરવા આવી ચર્ચાઓ થતી રહે એવી શુભેચ્છા પાઠવી હતી.ઉલ્લેખનીય છે કે, આ પહેલા 6 જાન્યુઆરી, 1993ના રોજ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી સતત ૧૨ કલાક ૦૮ મિનિટ સુધી ચાલી હતી. તત્કાલીન સમયે ગૃહની કાર્યવાહી બપોરે ૧૨.૦૦ કલાકે શરૂ થઈ હતી, જે રાત્રિના ૧૨.૦૮ સુધી ચાલી હતી. આજે નોંધાયેલા આ ઐતિહાસિક રેકોર્ડ અનુસાર તારીખ ૨૬ જુલાઈ, ૨૦૧૯ શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી શરૂ થયેલું ૧૪મી વિધાનસભાનું ચોથું સત્ર વિરામનો સમય બાદ કરતાં સતત ૧૨ કલાક, ૯ મિનિટથી વધુ સમય સુધી ચાલ્યું હતું. સૌ ધારાસભ્યોએ પાટલી થપથપાવી આ રેકોર્ડને બિરદાવ્યો હતો.નવા અંકિત થયેલા રેકોર્ડ અંગે વિધાનસભા ગૃહને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગૃહને જણાવ્યું હતું અને અધ્યક્ષને આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની તેમને જ આ અંગેની જાહેરાત કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તારીખ 27 જુલાઈ, 2019 શનિવારે રાત્રિના 12.09 કલાકે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ અંગે ઉપસ્થિત તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તાવાર જાણકારી આપીને તમામને લોકશાહીના આ તંદુરસ્ત પ્રણાલિકાને વધુ મજબૂત અને દીર્ઘાયુ બનાવવાના અભિનંદન પાઠવ્યા હતા.ઉલ્લેખનીય છે કે તારીખ 6, જાન્યુઆરી 1993 અને તારીખ 27 જુલાઈ, 2019 આ બંને ઐતિહાસિક દિવસોના સાક્ષી કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત કેટલાક ધારાસભ્યો રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *