મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ૫ વર્ષના બાળક માટે દેવદૂત બની આરબીએસકની ટીમ

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત કચ્છના મુન્દ્રા તાલુકાની RBSK ટીમની
સતર્કતા, સમયસરની તપાસ, ફોલો-અપ અને વાલીને આપવામાં આવેલા યોગ્ય માર્ગદર્શનના કારણે
સમાઘોઘા આંગણવાડી કેન્દ્ર-૨ ના ૫ વર્ષના બાળકને જીવનદાયી સારવાર પ્રાપ્ત થઇ છે.
RBSK હેઠળ સમાઘોઘા આંગણવાડી કેન્દ્ર-૨ ની નિયમિત મુલાકાત દરમિયાન ક્રિષ્નરાજ જાડેજા
નામના ૫ વર્ષના બાળકમાં જન્મજાત હૃદયની ખામી (Congenital Heart Disease – CHD) હોવાની
શંકા વ્યક્ત કરવામાં આવી હતી. સ્ક્રીનિંગ દરમિયાન બાળકમાં જોવા મળેલાં લક્ષણોને આધારે વધુ
તપાસની જરૂરિયાત જણાતાં, ટીમે તાત્કાલિક બાળકના વાલીનો સંપર્ક કર્યો હતો અને તેમને ‘2D Echo’
સહિતની જરૂરી તબીબી તપાસ કરાવવા માર્ગદર્શન આપ્યું હતું.
જોકે, શરૂઆતમાં વાલીએ બાળકને આવી કોઈ તકલીફ ન હોવાનું જણાવીને તપાસ કરાવવા
પ્રત્યે અનિચ્છા દર્શાવી હતી. તેમ છતાં, RBSK ટીમે વાલીને જન્મજાત હૃદયરોગ અંગે વિગતવાર
સમજ આપી અને સમયસર નિદાન તથા સારવારના મહત્ત્વ વિશે માહિતગાર કર્યા હતા. ટીમના સતત
પ્રયાસો અને યોગ્ય કાઉન્સેલિંગના પરિણામે વાલી તપાસ માટે સંમત થયા હતા. તબીબી તપાસ
દરમિયાન ‘2D Echo’ રિપોર્ટમાં બાળકને જન્મજાત હૃદયની ખામી હોવાનું સચોટ નિદાન થયું હતું.

આથી, RBSK ટીમ દ્વારા તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરીને બાળકને વધુ સારવાર માટે રિફર
કરવામાં આવ્યું હતું. હાલ આ બાળકને નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ જરૂરી સારવાર મળી રહી છે.
આ સફળતા સરકારના RBSK કાર્યક્રમની અસરકારકતા અને બાળકોના આરોગ્ય પ્રત્યેની
પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું હતું
કે, “RBSK કાર્યક્રમ હેઠળ બાળકોમાં જન્મજાત ખામીઓ, રોગો, પોષણની ઉણપ અને વિકાસલક્ષી
વિલંબની સમયસર ઓળખ કરીને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. માતા-પિતાએ પણ
બાળકમાં કોઈપણ અસામાન્ય લક્ષણ જણાય તો સત્વરે આરોગ્ય કર્મચારીઓનો સંપર્ક કરવો જોઈએ.”