કચ્છ કલેક્ટરશ્રી એ કર્યું વાંકી ગામમાં આધુનિક ગૌશાળા અને ‘અદાણી વન’નું લોકાર્પણ

કચ્છને હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવાના સંકલ્પને વધુ બળ

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા તાલુકાના વાંકી ગામમાં આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ ગૌશાળાનું લોકાર્પણ તેમજ “અદાણી વન”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગ્રામ વિકાસ, પશુ કલ્યાણ અને પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખી હાથ ધરાયેલી આ બંને પહેલો અદાણી ફાઉન્ડેશનની ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. વાંકી ગામમાં વિકસાવાયેલી અત્યાધુનિક ગૌશાળામાં ૬૦૦થી વધુ ગાયો માટે સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાસભર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્રણેય ઋતુઓમાં ગાયો માટે આરામદાયક વાતાવરણ મળી રહે તે માટે નવીન અને આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગૌશાળા વિસ્તારના ગૌસંવર્ધન અને પશુ કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસશે. આ પ્રસંગે ગામના વથાણ વિસ્તારમાં “અદાણી વન”નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. મિયાવાકી પદ્ધતિ આધારીત આ વનમાં ૫,૦૦૦થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેમાં ૪૫થી વધુ પ્રજાતિઓના સ્થાનિક વૃક્ષો, ફળઝાડ, વેલીઓ,
ફૂલછોડ અને ઔષધીય વનસ્પતિનો સમાવેશ થાય છે. કચ્છ જેવા અર્ધ-શુષ્ક પ્રદેશમાં જૈવવિવિધતા વધારવા અને
પર્યાવરણીય સંતુલન જાળવવા આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે. અદાણી ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૨૬ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાં ૫૦,૦૦૦થી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કચ્છમાં ત્રણ લાખ વૃક્ષોના વાવેતર સાથે ૨૫થી વધુ “અદાણી વન”નું નિર્માણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા (IAS), APSEZ મુન્દ્રા પોર્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિત શાહ, વાંકી ગામના સરપંચ શ્રી ભરતસિંહ જાડેજા અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા કચ્છ જિલ્લાના કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા (IAS)એ આ કાર્યક્રમમાં મહિલાઓની બહોળી હાજરીને બિરદાવતા કહ્યું હતું કે પર્યાવરણ સાથે સ્વચ્છતાને પણ પ્રાધાન્ય આપતા આહ્વાન કર્યું હતુંકે આવતા વર્ષે આ ગામને સ્વચ્છતા માટે એવોર્ડ આપું એવા કર્યો ગામ કરે એવી લાગણી વ્યક્ત કરી હતી. અદાણી પોર્ટ્સના એક્સિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિત શાહે જણાવ્યું હતું કે વૃક્ષારોપણ માત્ર પર્યાવરણ સંરક્ષણ પૂરતું સીમિત નથી, પરંતુ આવનારી પેઢી માટે સુરક્ષિત અને સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરવાનું મહત્વપૂર્ણ સાધન છે.
ગૌશાળાના માધ્યમથી પશુ કલ્યાણ માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓ પ્રશંસનીય હોવાનું તેઓએ ઉમેર્યું.
અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌસેવા, સમુદાય આધારિત વનીકરણ અને પર્યાવરણ સંરક્ષણ સહિતના વિવિધ પ્રયાસો દ્વારા
કચ્છને વધુ હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવાના પ્રયાસો સતત આગળ ધપાવવામાં આવી રહ્યા છે. આ પહેલ વિશ્વ
પર્યાવરણ દિવસ ૨૦૨૬ની થીમ Inspired by Nature. For Climate. For Our Future. સાથે સુસંગત રહી સમુદાયમાં પર્યાવરણ જાગૃતિ અને સક્રિય ભાગીદારીનો શક્તિશાળી સંદેશ આપે છે.