રાપર તાલુકાના નાની હમીરપર ગામ સાથે જોડતો વિલેજ રોડ બ્રિજ નબળો પડી જતાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ તથા વૈકલ્પિક રસ્તાના ઉપયોગ માટે જાહેરનામું જારી કરાયું

કાર્યપાલક ઈજનેરશ્રી, કચ્છ શાખા નહેર વિભાગ-૨/૪, ભચાઉના વંચાણ (૧) તથા (૨) વાળા પત્રની વિગતે કચ્છ શાખા નહેર પેટા વિભાગ ૨/૨-ડી, રાપરની કચેરી હસ્તક સાંકળ ૧૧૦.૮૮૦ કિ.મી તથા સાંકળ ૧૧૭.૧૯૨ કિ.મી પરના વિલેજ રોડ બ્રિજનું હેલ્થ એસેસમેન્ટ કરાવતાં રિપોર્ટ મુજબ ઉક્ત બ્રિજ હાલની સ્થિતિએ ઉપયોગમાં લઈ શકાય તેમ ન હોઈ જાહેર સુરક્ષાને ધ્યાનમાં લેતા ભવિષ્યમાં કોઇ અકસ્માત કે મોટી જાનહાની ન થાય તે માટે બ્રિજ પરથી તમામ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી થવા દરખાસ્ત રજૂ થયેલ છે. જે ધ્યાને લઈ નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.

કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પાર્થ કોટડીયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તા.૩૧/૧૨/૨૦૨૬ સુધીના સમયગાળા માટે બ્રિજ પરથી તમામ વાહનોની અવર-જવર બંધ થવા. તેમજ વૈકલ્પિક રસ્તા/માર્ગનો ઉપયોગ કરવા હુકમ કરેલ છે.

કચ્છ શાખા નહેરની સાંકળ ૧૧૦.૮૮૦ કિ.મી પર આવેલ (ખેતરોથી નાની હમીરપર ગામ સાથે જોડતો) વિલેજ રોડ બ્રિજના વૈકલ્પિક માર્ગ તરીકે કચ્છ શાખા નહેરની સાંકળ ૧૦૮.૩૧૫ કિ.મી. અને સાંકળ ૧૧૨.૫૦૦ કિ.મી. પર આવેલ વિલેજ રોડ બ્રિજ તથા કચ્છ શાખા નહેરની સાંકળ ૧૧૭.૧૯૨ કિ.મી પર આવેલ (સાનગઢને કાનપર ગામ સાથે જોડતો) વિલેજ રોડ બ્રિજના વૈકલ્પિક માર્ગ તરીકે  કચ્છ શાખા નહેરની સાંકળ ૧૧૬ ૨૪૭ કિ.મી પર આવેલ વિલેજ રોડ બ્રિજ વૈકલ્પિક માર્ગ/રસ્તા તરીક ઉપયોગ કરવાનો રહેશે.

આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ચાર્જશીટ રજુ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.

આ જાહેરનામાની બહોળી પ્રસિદ્ધિ કાર્યપાલક ઈજનેરશ્રી, કચ્છ શાખા નહેર વિભાગ નં.૨/૪, ભચાઉએ ઉક્ત મુજબના રસ્તાઓ પરના જાહેર સ્થળોએ તમામ લોકોને વ્યવસ્થિત દેખાય અને વંચાય એ રીતે ડીસ્પ્લે બોર્ડ રાખી કરવાની રહેશે તેમજ જાહેરનામાના ચુસ્ત અમલ માટે પોલીસ ખાતાએ તથા કચ્છ શાખા નહેર વિભાગે સંબંધિત રસ્તાઓ પર જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે.