૨૬ હજારના બદલે ૨૨ હજાર પગાર કેમ ચૂકવાય છે તેને લઈને મુન્દ્રાની જિંદાલ કંપનીના વર્કરોનો ઉગ્ર વિરોધ…

મુન્દ્રા તાલુકાના સમાગોગા સ્થિત જિંદાલ કંપનીમાં કામ કરતા શ્રમિકોએ આજે ઠેકેદાર સામે ઉગ્ર આંદોલન કરી પોતાના હક્કની માંગ ઉઠાવી હતી. પ્રાથમિક મળતી માહિતી મુજબ, ઠેકેદાર હેઠળ કામ કરતા આશરે સોથી વધુ વર્કરો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. વર્કરોનો આક્ષેપ છે કે તેમને ભરતી સમયે દર મહિને ૨૬ હજાર પગાર આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. જોકે, વાસ્તવમાં તેમને માત્ર ૨૨ હજાર જેટલો જ પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. પગારમાં ૪ હજારનો તફાવત હોવાના કારણે શ્રમિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વર્કરોએ જણાવ્યું હતું કે હાલના સમયમાં મોંઘવારી સતત વધી રહી છે. ઘરખર્ચ, બાળકોના શિક્ષણ, આરોગ્ય અને અન્ય જરૂરી ખર્ચાઓ પૂરા કરવામાં મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતિમાં વાયદા મુજબનો પગાર ન મળતા તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આંદોલન દરમિયાન શ્રમિકોએ ઠેકેદાર સામે સૂત્રોચ્ચાર કરી પગાર વધારો કરવાની માંગ કરી હતી. સાથે જ, ભરતી વખતે કરવામાં આવેલા વાયદાઓનું પાલન કરવા અને યોગ્ય વેતન ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. વર્કરોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.