મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે પ્રદર્શન સહ વેચાણ મેળામાં ભાગ લેવા આર્ટિઝન કાર્ડધારકો માટે નોંધણી શરૂ

રાજ્યની મહિલા કારીગરોને સ્વરોજગાર અને માર્કેટ સાથે જોડવાના ઉમદા હેતુથી ‘ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ’ દ્વારા વિવિધ શહેરોમાં પ્રદર્શન સહ-વેચાણ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. મહિલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતી હસ્તકલા, ઘરગથ્થુ વસ્તુઓ, પરંપરાગત કળા અને અન્ય સ્વનિર્મિત ઉત્પાદનોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવા માટે આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે. આ યોજનાથી મહિલાઓના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન મળશે, તેમજ તેમના ઉત્પાદનોને નવા ગ્રાહકો સુધી પહોંચવાની તક મળશે. આ પ્રદર્શન સહ-વેચાણ મેળામાં ભાગ લેવા માટે મહિલા કારીગરોએ નિગમ દ્વારા જારી કરાયેલા પોર્ટલ http://mela.gwedc.gov.in/Index.aspx પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.

 નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, ઇન્ડેક્ષ-સી, ડેવલપમેન્ટ કમિશનર (હેન્ડલુમ) – મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ અથવા ડેવલપમેન્ટ કમિશનર (હેન્ડીક્રાફ્ટ) – મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ દ્વારા આપવામાં આવેલા ‘આર્ટિઝન કાર્ડ’ (Artisan Card) હોય તે જ મહિલાઓ આ પોર્ટલ પર નોંધણી કરી શકશે. ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ તેની જાણ જિલ્લા મહિલા બાળ કચેરીને અચૂક કરવાની રહેશે.

કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે દ્વારા પાત્રતા ધરાવતી તમામ મહિલા કારીગરોને આ પોર્ટલ પર નોંધણી કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે રૂમ નં. ૨૦૭ થી ૨૦૯, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, મુન્દ્રા રોડ, ભુજ-કચ્છ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. આ ઉપરાંત, વધુ માહિતી વેબસાઈટ https://wcd.gujarat.gov.in પરથી પણ મેળવી શકાશે.