કેરા નજીક આવેલી સુમિટોમો કેમિકલ ઇન્ડિયા પ્લાન્ટ ફરી વિવાદમાં

ભુજ તાલુકાના કેરા-બળદિયા વિસ્તાર નજીક આવેલી સુમિતોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ (પૂર્વે એક્સેલ ક્રોપ કેર લિમિટેડ) ના પેસ્ટિસાઇડ ઉત્પાદન પ્લાન્ટમાં કામદારોને ઝેરી રસાયણોની અસર થવાના બનાવો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. ભૂતકાળમાં પણ આ પ્લાન્ટમાં ઝેરી ગેસ તથા જોખમી રસાયણોના સંપર્કથી કામદારોને ગંભીર આરોગ્ય નુકસાન તેમજ મૃત્યુ સુધીના બનાવો નોંધાયા હોવાનું જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ માહિતી પરથી જાણવા મળે છે.

જાગૃત નાગરિક દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે આવા જોખમી ઉદ્યોગોમાં અકસ્માત, ઝેરી અસર, વ્યાવસાયિક રોગ (Occupational Diseases), કાયમી અપંગતા (Permanent Disability) અથવા મૃત્યુ જેવા બનાવોમાં પીડિત કામદારો અને તેમના પરિવારોને કાયદા મુજબ પૂરતું વળતર, સામાજિક સુરક્ષા તથા પુનર્વસનના લાભો વાસ્તવમાં મળી રહ્યા છે કે નહીં તેની સ્વતંત્ર અને તટસ્થ તપાસ થવી જરૂરી છે.

ખાસ કરીને શરીરના કોઈપણ અંગમાં કાયમી ખોટ, કાર્યક્ષમતા ગુમાવવી, લાંબા ગાળાની આરોગ્ય હાનિ અથવા રોજગાર ક્ષમતામાં ઘટાડો થવા જેવા સંજોગોમાં સંબંધિત કામદારોને લાગુ કાયદાઓ મુજબ મળવાપાત્ર લાભો અને વળતર અંગે કોઈપણ પ્રકારની ખુલાસો કરવામાં આવ્યો નથી તેની પણ ચકાસણી થવી આવશ્યક છે.

આ મુદ્દે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ, ગાંધીનગર દ્વારા ફરિયાદને ગંભીરતાથી લઈ મામલો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ને તપાસ અને યોગ્ય કાર્યવાહી માટે મોકલવામાં આવ્યો છે. રજૂઆતમાં વારંવાર બનતા ઝેરી અસરના બનાવો, જોખમી રસાયણોના સંચાલન, કામદારોની સલામતી વ્યવસ્થા, ઇમરજન્સી પ્રતિસાદ પ્રણાલી તથા કાયદાકીય પાલન અંગે વ્યાપક તપાસની માંગ કરવામાં આવી છે.

જાહેર હિત અને ઔદ્યોગિક સલામતીના દૃષ્ટિકોણથી આવા બનાવોની નિષ્પક્ષ તપાસ થવી તેમજ ભવિષ્યમાં ઝેરી ગેસ, રસાયણિક સંપર્ક અથવા અન્ય ઔદ્યોગિક અકસ્માતોના બનાવો અટકાવવા માટે જરૂરી સુધારાત્મક અને નિવારક પગલાં લેવામાં આવે તે સમયની માંગ છે.