લોકસભામાં હંગામા વચ્ચે પરીક્ષા સુધાર ખરડો પસાર

image

લાંબા સમય સુધી ચાલેલા છાત્રોનાં વિરોધ પ્રદર્શનની પૃષ્ઠભૂમિમાં અને વિપક્ષના ભારે હંગામા વચ્ચે એન્ટિ પેપર લીક વિરોધી બિલ આજે લોકસભામાં ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું હતું. આ ખરડો પસાર થઈ ગયા બાદ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે, હવે આ વિધેયકને રાજ્યસભામાં રજૂ કરાશે.ચર્ચાના અંતિમ દિવસે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર પસ્તાળ પાળી હતી. ખાસ તો ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરી સામે સવાલ ઉઠાવતાં તેમના આદેશથી છાત્રો પર પેલેટ ગોળીબાર કરાયાનો આક્ષેપ કર્યો હતો, જેનો ભાજપ-એનડીએ સભ્યોએ ઉગ્ર વિરોધ કરતાં ભારે ધમાલ મચી ગઇ હતી. સરકારે કહ્યું હતું કે, તેણે નીટ પેપર લીકમાં તરત અનેક પગલાં લીધાં હતાં. 2024માં કાયદો લાગુ થયા બાદથી બાવન એફઆઇઆર નોંધાઇ છે અને આ સુધારા ખરડો લાવ્યા છીએ અનુભવો પરથી શીખવા માટે અમારું મન ખુલ્લું છે. લોકસભામાં બિલ રજૂ કરતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રાસિંહે જણાવ્યું હતું કે, આ મહત્ત્વપૂર્ણ બિલ પર ચર્ચા કરવા અને સૂચનો આપવાને બદલે વિપક્ષ રાજકારણ રમી રહ્યું છે.  આવા ગંભીર અનેમહત્ત્વપૂર્ણ બિલ પર રચનાત્મક સૂચનો આપવાને બદલે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને પ્રતાબિંબિત કરે છે,  વિપક્ષના નેતા દ્વારા ઉપયોગમાં લેવાયેલી ભાષા માત્ર બિનસંસદીય જ નહીં, પણ એટલી અયોગ્ય હતી કે, હું તેને પુનરાવર્તન પણ કરવા માગતો નથી. જો કોઈ પોતાને શિક્ષિત અને સંસદીય સંમેલનોથી પરિચિત માને છે, તો તેણે જાણવું જોઈએ કે, ગૃહમાં આવી ભાષાનો ઉપયોગ કરી શકાતો નથી.’  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિપક્ષના નેતા દ્વારા દેશના યુવાનોને મૂર્ખ કહેવાનું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.  જણાવ્યું ,`આ દેશના યુવાનો, જે રાષ્ટ્રનું ભવિષ્ય છે, તેમને `મૂર્ખ’ કહેવાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે. મને આશ્ચર્ય થાય છે કે, શું તેઓ સંસદીય કાર્યવાહીના મૂળભૂત નિયમો અને શિષ્ટાચારથી પણ વાકેફ છે.