રાષ્ટ્રગીતનું અપમાન હવેથી ગુનો ગણાશે : `વંદે માતરમ્’ બિલ રાજ્યસભામાં પસાર 

રાજ્યસભાએ બુધવારે રાષ્ટ્રીય ગીત `વંદે માતરમ્’ના અપમાનને ફોજદારી ગુનો ગણાવતું બિલ પસાર કર્યું હતું. નીટ પેપર લીક સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના મુદ્દે વિપક્ષના હોબાળા છતાં ગૃહની કાયદાકીય કામગીરી હાથ ધરીને આ પગલા સાથે એક અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહેલા ગતિરોધનો અંત લવાયો હતો અને ધ્વનિ મતથી બિલ પસાર કરાયું હતું.ડેપ્યુટી ચેરમેન હરિવંશે બપોરના ભોજન બાદ સભ્યોને `રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ બિલ, 2026′ પર બોલવાની મંજૂરી આપતાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.બિલ પરની ચર્ચાનો જવાબ આપતાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, કોંગ્રેસ તુષ્ટિકરણના રાજકારણનો આશરો લઈને દેશના સન્માન વંદે માતરમનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, વંદે માતરમનો વિરોધ કરવાનો અર્થ ભારત `તેરે ટુકડે હોંગે ગેંગ’નું મનોબળ વધારવનો છે. ઘણા સભ્યોએ મંતવ્યો વ્યક્ત કર્યા હતા, પરંતુ કોંગ્રેસે વિરોધ કેમ કર્યો તે અંગે આશ્ચર્ય થયું. `એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ માટે `વંદે માતરમ્’ જરૂરી છે. રાષ્ટ્રીય પ્રતીકોનો આદર એ એક વિષય છે જે રાજકારણથી ઉપર હોવો જોઈએ. દિવસની શરૂઆતમાં બે વાર મુલતવી રાખ્યા પછી, બપોરે 2 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થયા પછી તરત જ, હરિવંશે વિરોધ કરી રહેલા સભ્યોને શિષ્ટાચાર જાળવવા વિનંતી કરી. હોબાળા વચ્ચે ઉપાધ્યક્ષે સભ્યોને સલાહ આપતાં જણાવ્યું હતું કે, તેઓ તેમના સમયનો અસરકારક રીતે ઉપયોગ કરે અને દરેકને ફાળવેલા સમયની અંદર તેમના ભાષણો પૂર્ણ કરે.  ચર્ચા શરૂ થઈ ત્યારે, રાષ્ટ્રીય રાજધાનીમાં નીટ પેપર લીક પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી જવાબ માગવા માટે વિપક્ષે વિરોધ ચાલુ રાખ્યો હતો, જ્યારે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલે બિલ પર બોલી રહ્યા હતા ત્યારે તેઓએ વોકઆઉટ કર્યું હતું.