‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય…’ કેરા ખાતે આયોજિત સન્માન સમારોહમાં કચ્છના તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવતા શિક્ષણ રાજ્યમંત્રીશ્રી

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, કચ્છ અને શ્રી કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજરોજ લાલજીભાઈ રૂડા પિંડોલીયા ઓડિટોરિયમ, શેઠ જે.પી. એન્ડ એલ.એસ. હાઇસ્કૂલ, કેરા ખાતે કચ્છના જિલ્લાકક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૫-૨૬ ની ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી A1 ગ્રેડ મેળવનાર ૮૬૭ છાત્ર-છાત્રાઓ તેમજ ૨૧૭ જેટલી ૧૦૦% પરિણામ પ્રાપ્ત કરનારી શાળાઓને સન્માનિત કરવામાં આવી હતી.

        કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાંથી ૮૬૭ છાત્ર-છાત્રાઓએ A1 ગ્રેડ મેળવી તેમજ ૨૧૭ જેટલી શાળાઓએ ૧૦૦% પરિણામ મેળવીને કચ્છ જિલ્લામાં શિક્ષણની દિશા બદલી નાખી છે. કચ્છ જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ આપણી સામાજિક પૂંજી છે તેમ જણાવીને રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કચ્છ જિલ્લાની શૈક્ષણિક સફર આજે પ્રેરણાદાયક બની છે. શિક્ષણક્ષેત્રે આવેલા આ આમૂલ પરિવર્તનનો શ્રૈય શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ શૈક્ષણિક તંત્ર, જનપ્રતિનિધિશ્રીઓ અને સમાજના શ્રેષ્ઠીઓને આપ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીઓ વિદ્યાર્થીઓ કરતા વધારે સંખ્યામાં મેરિટમાં આગળ આવી રહી છે જે વડાપ્રધાનશ્રીના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના દૂરંદેશી વિઝનથી શક્ય બન્યું છે. કચ્છ એ શિક્ષણક્ષેત્રે રાજ્યકક્ષાએ સિદ્ધિ હાંસલ કરી છે તે સરકારશ્રીની સાથેસાથે નાગરિકોનું જાગૃતિનું પરિણામ છે.

        રાજ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને અથાગ મહેનત કરવાની શીખ આપીને કહ્યું કે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય… એ વાત આજે સાર્થક થઈ છે. કચ્છ જિલ્લાના તેજસ્વી તારલાઓને બિરદાવીને મંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સંકલ્પમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓએ આવતીકાલની આશાનું ઉજ્જવળ પ્રતીક છે તેમ જણાવીને મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં કચ્છ જિલ્લા માટે ચાર હજારથી વધારે શિક્ષકોની ખાસ ભરતીની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. મંત્રીશ્રીએ ભુજમાં વેટરનરી કોલેજ, સિનુગ્રા એગ્રીકલ્ચર કોલેજ, પોલિટેક્નિક કોલેજ અને અન્ય નવીન કોલેજની ફાળવણી માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષમાં ગુજરાત એ વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. રાજ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને કચ્છના શિક્ષણતંત્રને અભિનંદન આપીને દેશના વિકાસમાં સહભાગી બન્યા જણાવ્યું હતું. રાજ્યમંત્રીશ્રીએ વિવિધ શાળાઓમાં આર્થિક સહયોગ અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સ્થાનિક સામાજિક શ્રેષ્ઠીઓને સન્માનિત કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

        કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના પ્રયાસોથી કચ્છ જિલ્લાને અનેક શૈક્ષણિક સવલતો ઉપલબ્ધ થઈ છે. વિદ્યાર્થીઓના સામૂહિક સન્માનના કાર્યક્રમને ઐતિહાસિક ગણાવીને સાંસદશ્રીએ ઉમેર્યું કે, શ્રી કચ્છી લેવા પટેલ સમાજના યોગદાનથી શૈક્ષણિક પ્રવૃત્તિઓને નવું બળ મળ્યું છે. ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ મેરિટમાં સ્થાન મેળવીને કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. વડાપ્રધાનશ્રીના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા મહત્વના અભિયાનનો ઉલ્લેખ કરીને સાંસદશ્રીએ જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં આજે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓની સંખ્યા મેરિટમાં વધારે છે, જે દર્શાવે છે કે કચ્છ જિલ્લામાં મહિલા શિક્ષણમાં ધરખમ પરિવર્તન આવ્યું છે. કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામોમાં શૈક્ષણિક સુવિધાઓના વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણનો શ્રૈય સાંસદશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપ્યો હતો.

        ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પ્રાંસગિક પ્રવચન કરતાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૫-૨૬ના બોર્ડના પરિણામો દર્શાવે છે કે, કચ્છ જિલ્લામાં શિક્ષણનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. ગુજરાત સરકારની સતત ચિંતાના લીધે આજે કચ્છ જિલ્લો શિક્ષણક્ષેત્રે અગ્રેસર બન્યો છે. બાળકોની તમામ શૈક્ષણિક જરૂરિયાતો પૂર્ણ કરીને બાળકોને ભણાવવા વાલીઓને ધારાસભ્યશ્રીએ અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે શાબ્દિક સ્વાગત પ્રવચન કરતા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમારે જણાવ્યું હતું કે, સરકાર અને સંસ્થાઓના પ્રયાસોથી કચ્છ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહ્યો છે. તેઓએ જણાવ્યું કે, કચ્છમાંથી રાજ્યકક્ષાએ ઉચ્ચ સિદ્ધ મેળવનારા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.  કચ્છ જિલ્લાની શિક્ષણ સિદ્ધિઓને બિરદાવીને તેઓએ ઉત્તમ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા સહિત સેવાભાવી સંસ્થાઓના સહયોગને આવકાર્યો હતો.

રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા અને અન્ય ઉપસ્થિત મહાનુભાવો તેમજ સમાજના શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓએ તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને પ્રશસ્તિપત્ર આપીને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. ગ્રાન્ટેડ શાળાઓના પાંચ વર્ષ પૂર્ણ કરીને કાયમી થનારા શિક્ષકોને મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે નોકરીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.  કાર્યક્રમના અંતે આભારવિધિ એજ્યુકેશન ઈન્સ્પેક્ટરશ્રી પૃથ્વીરાજસિંહ ઝાલાએ કરી હતી.

આ પ્રસંગે કચ્છી લેઉવા પટેલ સમાજના પ્રમુખશ્રી વેલજીભાઈ પિંડોરિયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી રાજેશભાઈ ચાવડા, સામાજિક અગ્રણી અને દાતાશ્રીઓ સર્વશ્રી કે.કે.પટેલ, શ્રી રવજીભાઈ વરસાણી, શ્રી ઘનશ્યામ ટપરીયા, શ્રી અરજણભાઈ પિંડોરિયા, શ્રી દેવજીભાઈ પિંડોરિયા, શ્રી પ્રેમજીભાઈ કેરાઈ, શ્રી માવજીભાઈ પિંડોરિયા, શ્રી નારણભાઈ હાલાઈ, શ્રી રવજીભાઈ હાલાઈ, શ્રી મૂળજીભાઈ હાલાઈ, શ્રી લક્ષ્મણભાઈ કેરાઈ, શ્રી હિતેશભાઈ ભુડિયા, શ્રી મેઘજીભાઈ ખેતાણી, શ્રી વસંતભાઈ પટેલ, સરપંચશ્રી સહિત વિવિધ દાતાશ્રીઓ, ઉદ્યોગપતિઓ અને ટ્રસ્ટના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.