ખેડૂતો પર કરવામાં આવેલ અત્યાચાર અને વળતરની માંગ મુદ્દે વિશાળ ટ્રેકટર રેલીનું આયોજન કરી આવતીકાલે 15 જૂનના રોજ ખેડૂતો ગાંધીનગર પહોંચશે: પ્રવીણ રામ AAP

આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામે એક વીડિયોના માધ્યમથી ખેડૂતોની ટ્રેક્ટર રેલી મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું, હાલમાં ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. એક તો કુદરત ખેડૂતો પર રૂઠે છે અને બીજી બાજુ સરકારો પણ ખેડૂતો પર રૂઠે છે. બિયારણના ભાવ, ખાતરના ભાવ સહિત તમામ જગ્યાએ અત્યારે ખેડૂતોએ અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. વધુમાં ખાનગી કંપનીઓ ખેડૂતના ખેતરમાં પોતાના થાંભલા નાખી જાય, બળજબરી કરે, અત્યાચાર કરે અને એમાં પણ પોલીસનું પ્રોટેક્શન લઈને ખેડૂતોના પરિવારો પર અત્યાચાર થાય છે. હાલની પરિસ્થિતિમાં મહિલાઓ પર અત્યાચાર થાય, તેમની અટક કરવામાં આવે, નાના બાળકોને રોડ પર ચડાવવામાં આવે, આ તમામ પરિસ્થિતિઓ જે ગુજરાતમાં ઉપસ્થિત થઇ છે, એ અન્યાય સામે લડવા માટે અને ખેડૂતોના ખેતરોમાં જે ખોટી રીતે થાંભલાઓ નાખવામાં આવે છે, તેના બદલ યોગ્ય વળતર મળે એવા તમામ મુદ્દાઓને લઈને આવતીકાલે તારીખ 15 જૂનના રોજ સમગ્ર ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટર રેલી લઈને ગાંધીનગર જવાના છે.

વધુ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, અંદાજિત 20થી વધુ ખેડૂત સંગઠનો આ ટ્રેક્ટર રેલીમાં જોડાવાના છે. આ ટ્રેક્ટર રેલીને આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન છે. આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ પણ આ ટ્રેક્ટર રેલીમાં ઉપસ્થિત રહીને ખેડૂતોની રેલીને સમર્થન આપશે, ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને સમર્થન આપશે. ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે ઉભી રહીને ખભે ખભો મિલાવીને ખેડૂતો માટે લડત લડવાનું કામ કરશે.