ભારત સરકારના નવા નિયમથી કચ્છના ઉદ્યોગો મુશ્કેલીમાં! ડીઝલ બેરલમાં લઈ જવા પર પ્રતિબંધ
કચ્છના ઉદ્યોગ જગત માટે મોટા સમાચાર. ભારત સરકારના નવા નિયમો મુજબ પેટ્રોલપંપથી બેરલમાં ડીઝલ લઈ જવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ નિર્ણયને કારણે કચ્છના ચાઇનાક્લે અને મિનરલ ઉદ્યોગને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કચ્છના મોટાભાગના ઉદ્યોગો, ખાણ-ખનિજ અને ભારે મશીનરી ડીઝલ પર જ ચાલે છે. પેટ્રોલપંપથી સીધા ટેન્કરમાં ડીઝલ લેવાની સુવિધા ન હોવાથી બેરલમાં ડીઝલ લઈ જવું ઉદ્યોગોની મજબૂરી હતી.
હવે આ પ્રતિબંધના કારણે ઉત્પાદન ખર્ચ વધવાની સાથે ઉત્પાદન પ્રક્રિયા પણ ઠપ થવાનો ભય ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો છે. કચ્છના ઉદ્યોગકારોએ આ ગંભીર પ્રશ્ને ભુજમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે અને નિયમોમાં રાહત આપવાની માંગ કરી છે.
જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો કચ્છના હજારો મજૂરોની રોજીરોટી પર પણ અસર પડે એવી શક્યતા છે.