માનનિય કલેક્ટરશ્રી, કચ્છ દ્વારા કચ્છ જિલ્લામાં ખનિજચોરી અટકાવવા તથા ખનિજ ચોરી કરતા ઈશમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ.

આથી મોજે. નુંધાતણ, તા. અબડાસા ખાતે બેન્ટોનાઇટ ખનિજ ચોરી અંગે મળેલ બાતમીના આધારે ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા આજ રોજ તા. ૧૬/૦૬/૨૦૨૬ની રોજ રાત્રીના ૨:૦૦ વાગ્યેની આસપાસ નુંધાતણ ગામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. પરંતુ સદર ખનિજ ચોરીમાં સંકળાયેલ આરોપીઓ દ્વારા નુંધાતણ ગામમાં પ્રવેશવાના દરેક રસ્તા પર કોઈ પણ ખાનગી વાહન પ્રવેશે તેની રેકી કરવા માટે વોચ ગોઠવવામાં આવેલ. આથી ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ નુંધાતણ ગામે રેડ કંડક્ટ કરી હોવાના સમાચાર આ કામના આરોપીઓને મળતા તેઓ દ્વારા સદર ખનિજ ચોરીમાં ઉપયોગમાં લિધેલ વોલ્વો કંપનીનું ચેસિસ નં. VCEC210DC00251153 એસ્કેવેટર મશીનને ખનિજચોરી વાળા સ્થળેથી ખસેડી માલીકીના સર્વે નં. ૮૯ ખાતે મુકી, મશીન ચાલક તથા ચોરીમાં સામેલ આરોપીઓ નાશી છુટેલ હતા. પરંતુ તપાસટીમ દ્વારા એસ્કેવેટર મશીનની ચેનના નિશાનના આધારે સદર મશીન શોધી કાઢવામાં આવેલ. ત્યારબાદ સદર આરોપીઓ દ્વારા તપાસટીમને યેનકેન પ્રકારે બનાવ વાળુ સ્થળ છોડવા માટે તથા મશીન છોડી મુકવા માટે દબાણ ઊભુ કરવામાં આવેલ. પરંતુ ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા પુરી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ અને સવારે ખાનગી મિકેનીકની મદદ લઈ સુંદર મશીનને અનલોક કરી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે ખસેડી સિઝ કરી કોઠારા પોલીસ સ્ટેશનને સદર મશીનની કસ્ટડી સોંપવામાં આવેલ છે. સદર સર્ચ ઓપરેશન દરમ્યાન કોઠારા પોલીસ સ્ટેશન પી.આઈ.શ્રી પીયુષ રાડા તથા કોઠારા પોલીસ સ્ટેશનના સ્ટાફનો સદર તપાસ શરૂ થયાથી મશીન પોલીસ સ્ટેશન મુકવા સુધી સંપુર્ણ સહયોગ રહેલ છે. તપાસ દરમ્યાન સદર મશીનના માલિક તરીકે પઢિયાર સદામ હુસેન, રહે. નુંધાતણ હોવાનું સામે આવેલ છે.

હાલમાં મશીન કબ્જે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી તેમજ દંડાત્મક પગલાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આમ, ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા કુલ ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.