બદલાતી વાસ્તવિકતા: પુનર્લગ્ન એ ગંગા સ્વરૂપાનું નવું જીવન! નાતરું જરૂરી-અનિવાર્ય!
મૂળે અને મુદ્દે સમાજ હંમેશા ગતિશીલ રહ્યો છે. જે રિવાજો અને પ્રતિબંધો એક સમયે સામાજિક વ્યવસ્થા ટકાવવા માટે જરૂરી હતા, તે જ પ્રતિબંધો સમય બદલાતા જીવનની જરૂરિયાત સામે અવરોધ બની જાય છે. જૂના જમાનામાં બાળ લગ્ન પર પ્રતિબંધ અને વિધવા લગ્ન પર સામાજિક બંધી હતી. તેની પાછળ તે સમયની આર્થિક, સામાજિક અને સુરક્ષાની સમજ હતી. આજે 21મી સદીમાં શિક્ષણ, આર્થિક સ્વતંત્રતા અને માનવીય દૃષ્ટિકોણે નવી માંગ ઉભી કરી છે. ગંગા સ્વરૂપા, વિધવા, છૂટાછેડા પામેલી અથવા એકલી રહી ગયેલી સ્ત્રી માટે પુનર્લગ્ન કે બીજું નાતરું હવે સામાજિક બળવો નથી, પરંતુ જીવનની મૂળભૂત જરૂરિયાત બની ગઈ છે.
*1. જૂના પ્રતિબંધોનો ઐતિહાસિક સંદર્ભ*
પહેલાના સમયમાં સમાજની રચના સંયુક્ત કુટુંબ અને ખેતી આધારિત અર્થતંત્ર પર હતી. બાળ લગ્ન પાછળનો હેતુ કુળ, જાતિ અને સંપત્તિની સલામતી હતો. વિધવા લગ્ન પર પ્રતિબંધ પાછળ પણ સંપત્તિ વિભાજન, કુળની શુદ્ધતા અને સામાજિક સ્થિરતાની ભીતિ હતી. વિધવાને સફેદ વસ્ત્રો, વૈરાગ્ય અને ત્યાગનું પ્રતીક માનવામાં આવતી. તે સમયે સ્ત્રીની આર્થિક સ્વતંત્રતા ન હતી. પરિવાર અને સમાજ જ તેનો આધાર હતા. એટલે પ્રતિબંધોને ધર્મ અને રિવાજનું સ્વરૂપ મળ્યું.
પરંતુ એ પ્રતિબંધોની કિંમત વ્યક્તિએ ચૂકવી. લાખો સ્ત્રીઓનું જીવન એકલતા, ઉપેક્ષા અને માનસિક દબાણમાં વીતી ગયું. સમય જતાં શિક્ષણ વધ્યું, કાયદો બન્યો અને સમાજની સમજ બદલાઈ.
*2. બદલાતો સમય અને નવી જરૂરિયાતો*
આજે સ્ત્રી માત્ર ઘરની દીવાલો સુધી સીમિત નથી. તે ભણે છે, કમાય છે, નિર્ણય લે છે. જીવનસાથીના મૃત્યુ પછી અથવા સંબંધ તૂટ્યા પછી જીવન અટકી જતું નથી. 30, 40 કે 50 વર્ષની ઉંમરે જીવનનો મોટો ભાગ હજુ બાકી હોય છે.
આ તબક્કે એકલતા માત્ર ભાવનાત્મક મુદ્દો નથી રહેતો. તે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને સામાજિક સુરક્ષા સાથે જોડાય છે. એકલી રહેતી સ્ત્રીને મિલકત, સલામતી અને સામાજિક માન-સન્માન ટકાવવા માટે સત સંઘર્ષ કરવો પડે છે. પરિવાર હોય તો પણ દરેક તબક્કે તેનો સહારો શક્ય નથી.
આ સંજોગોમાં બીજું નાતરું કે પુનર્લગ્ન એ વિકલ્પ નથી, જરૂરિયાત છે. સાથીદાર વગરનું જીવન ખાલીપો આપે છે. માણસ સામાજિક પ્રાણી છે. તેને વાત કરવા, લાગણી વહેંચવા, સંભાળ રાખવા અને સંભાળ લેવા માટે કોઈની જરૂર હોય છે.
*3. ગંગા સ્વરૂપા: નામમાં જ સન્માન, જીવનમાં અવહેલના*
સરકારી યોજનાઓમાં વિધવાઓને “ગંગા સ્વરૂપા” કહેવામાં આવે છે. નામમાં જેટલું સન્માન છે, વ્યવહારમાં એટલી જ અવહેલના જોવા મળે છે. પેન્શન મળે છે, પણ સન્માન નથી મળતું. સહાય મળે છે, પણ સાથ નથી મળતો.
ગંગા સ્વરૂપા સ્ત્રી જો પોતાની મરજીથી બીજું નાતરું કરવા માંગે, તો સમાજ આંખ ઊંચી કરે છે. “સમાજ શું કહેશે”, “વારસદારો શું વિચારશે”, “લોક લાજ જશે” જેવા પ્રશ્નો તેના નિર્ણય પર ભારે પડે છે. પરિણામે તે મન મારીને જીવે છે. આ મન મારવું જ સામાજિક અપરાધ છે.
*4. બીજું નાતરું: કલંક નહીં, કરુણાનું કામ*
ગ્રામીણ ગુજરાતમાં “નાતરું” શબ્દ પ્રચલિત છે. તે કાયદેસર લગ્નથી અલગ સામાજિક સ્વીકૃતિ ધરાવે છે. બીજા નાતરામાં સ્ત્રી-પુરુષ સામાજિક સંમતિથી સાથે રહે છે. આ વ્યવસ્થા સદીઓથી ચાલી આવે છે, પણ તેને હંમેશા છૂપી રીતે જોવામાં આવતી.
આજે જ્યારે કાયદો બંને પક્ષને સમાન અધિકાર આપે છે, ત્યારે નાતરું કે પુનર્લગ્નને કલંક માનવાનો કોઈ અર્થ નથી. તે બે પુખ્ત વ્યક્તિનો સહમતીથી લીધેલો નિર્ણય છે. તેનાથી કોઈનું નુકસાન થતું નથી. ઊલટું બે એકલા જીવને સહારો મળે છે.
બાળકો હોય તો પણ માતાની ખુશી તેમના ભવિષ્ય માટે જરૂરી છે. દુઃખી, હતાશ માતા બાળકને શું આપી શકે?! જ્યારે માતા ખુશ હોય, આત્મવિશ્વાસથી ભરેલી હોય, ત્યારે જ પરિવાર મજબૂત બને.
*5. એકલતા વિરુદ્ધ સાથ: માનસિક સ્વાસ્થ્યનો સવાલ*
વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે લાંબી એકલતા શરીર અને મન બંને નુકસાન કરે છે. બ્લડ પ્રેશર, હૃદયરોગ, ડિપ્રેશન અને ચિંતાનું જોખમ વધે છે. વૃદ્ધાવસ્થામાં એકલી સ્ત્રી સૌથી વધુ સંવેદનશીલ હોય છે.
જ્યારે જીવનસાથી મળે છે, ત્યારે માત્ર લગ્ન નથી થતું. એક સુરક્ષા કવચ બને છે. નાની-મોટી તકલીફમાં હિંમત આપનાર, હોસ્પિટલમાં સાથે જનાર, ઘરનું ધ્યાન રાખનાર સાથી મળે છે. આ સાથ પૈસાથી ખરીદી શકાતો નથી.
એટલે બીજા નાતરાને “લાલચ” કે “મોહ” કહીને નકારી ન શકાય. તે માનવીય જરૂરિયાત છે. ભૂખ લાગે ત્યારે રોટલી જોઈએ, તરસ લાગે ત્યારે પાણી જોઈએ. એ જ રીતે એકલતા લાગે ત્યારે સાથ જોઈએ.
*6. સમાજે દૃષ્ટિકોણ બદલવો પડશે*
સમાજે હવે બેવડા ધોરણ છોડવા પડશે. પુરુષ વિધુર થાય તો તરત બીજા લગ્ન કરી શકે. તેના માટે કોઈ પ્રશ્ન નથી. પણ સ્ત્રી કરે તો સો સવાલ થાય છે. આ અસમાનતા હવે ચાલે નહીં.
સમય બદલાયો છે. દીકરી ભણે છે, નોકરી કરે છે, ટેક્સ ભરે છે. તે પોતાનો નિર્ણય લેવા સક્ષમ છે. જો તે 18 વર્ષે મત આપી શકે, મિલકત ખરીદી શકે, તો 40 વર્ષે પોતાના જીવનસાથી પસંદ ન કરી શકે?!
સમાજે મદદ કરવી જોઈએ, અડચણ નહીં. પંચ, આગેવાનો, વડીલોએ દીકરીને સમજાવવી જોઈએ, ડરાવવી નહીં જોઈએ. જે નિર્ણયથી તેનું જીવન સુખી થાય, તે નિર્ણયને માન આપવું જોઈએ.
*7. પરિવાર અને વારસાનો ભય*
સૌથી મોટો વિરોધ વારસા અને સંપત્તિને લઈને થાય છે. “માઁ બીજા લગ્ન કરશે તો અમારો હિસ્સો જશે” એવી બીક સંતાનોને હોય છે. આ ભય વાસ્તવિક છે, પણ તેનો ઉકેલ બંધી નથી, પારદર્શિતા છે.
કાયદેસર વીલ બનાવીને, વહેંચણી કરીને બંને પક્ષનું રક્ષણ થઈ શકે. મા પોતાની મિલકતનો નિર્ણય લે, સંતાનોને તેમનો હક મળે. વાતચીતથી રસ્તા નીકળે છે. માત્ર શંકાથી માઁ નું કિંમતી અને અમૂલ્ય જીવન બરબાદ કરવું એ કોઈ ઉકેલ નથી.
એ વાસ્તે પણ જૂના જમાનાના પ્રતિબંધો સમયની માંગ હતા. આજના સમયની માંગ છે સ્વતંત્રતા, ગૌરવ અને સાથ. ગંગા સ્વરૂપા સ્ત્રીને પૂજાની મૂર્તિ બનાવીને ખૂણામાં મૂકવાથી તેનું ભલું નહીં થાય. તેને જીવવા દો, હસવા દો, નવો સાથ પસંદ કરવા દો.
બીજું નાતરું કે પુનર્લગ્ન એ સમાજ તોડવાનું કામ નથી. સમાજને મજબૂત કરવાનું કામ છે. કારણ કે ખુશ અને સુરક્ષિત વ્યક્તિથી જ સુખી પરિવાર અને મજબૂત સમાજ બને છે.