આંગણવાડી કેન્દ્ર સુખપર, મોટી રાયણ ૧ થી ૫ અને નાની રાયણ ખાતે ‘નારી વંદન સપ્તાહ’ની ભવ્ય ઉજવણી

image

મંડવી: મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત સ્થાનિક આંગણવાડી કેન્દ્ર સુખપર, મોટી રાયણ ૧ થી ૫ અને નાની રાયણ ખાતે ‘નારી વંદન સપ્તાહ’ની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામીણ ક્ષેત્રે મહિલા સશક્તિકરણ, સ્વાસ્થ્ય અને કાયદાકીય જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ તથા તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી મંજુલાબેન સીજુ, સુપરવાઈઝર બહેન શીતલબેન સંઘાર (CDPO), માજી સરપંચ શ્રીમતી હેમલતાબેન પટેલ, ગ્રામ પંચાયત સભ્ય અલ્પાબેન નાથબાવા અને જરીનાબેન જુણેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહિલા સંગઠનના સભ્યો લક્ષ્મીબેન તથા હર્ષિદાબેન, આંગણવાડી કાર્યકર (AWW) અને હેલ્પર બહેનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને માતાઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમના મુખ્ય વક્તા સુપરવાઈઝર શીતલબેન સંઘાર દ્વારા ઉપસ્થિત તમામ ગ્રામજનોને આરોગ્ય અને પોષણ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાંથી કુપોષણ દૂર કરવા માટે પોષણલક્ષી સમજ આપી હતી. આ સાથે સરકાર તરફથી મળતા ‘માતૃશક્તિ’, ‘પૂર્ણા શક્તિ’ અને ‘બાલશક્તિ’ ના પૌષ્ટિક લોટમાંથી ઘરે જ સ્વાદિષ્ટ અને અલગ-અલગ વાનગીઓ કેવી રીતે બનાવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપીને બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં, તેમણે મહિલા ઉત્કર્ષ, મુખ્યમંત્રી માતૃવંદના યોજના (MMY) અને મહિલા આરોગ્યને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની સરળ ભાષામાં સમજ આપી આંગણવાડી દ્વારા ચાલતી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા હાકલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મહિલા સંગઠનના સભ્યો દ્વારા મહિલા રક્ષણ માટેના કાયદાઓ વિશે સવિસ્તાર સમજણ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારમાં મહિલા જાગૃતિ લાવવામાં ખૂબ સફળ રહ્યો હતો, અને અંતમાં તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.