જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીતો) ભુજ ની લેડીઝ વિંગ દ્વારા સ્ત્રીઓ વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીતો) ભુજ ની લેડીઝ વિંગ દ્વારા સ્ત્રીઓ પોતાના કૌશલ્યનો વિકાસ કરી શકે અને આર્થિક રીતે સશક્ત બની શકે તે માટે વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આત્મનિર્ભર વર્ટીકલ અંતર્ગત ત્રિદિવસીય જ્વેલરી મેકિંગ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું. જેને મહિલાઓ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
ચેરપર્સન રેશમાબેન ઝવેરી, સેક્રેટરી દીપાલી શાહ, વાઈસ ચેરપર્સન મીતલ શાહ ના નેતૃત્વ હેઠળ આયોજિત આ વર્કશોપનું ઉદ્ઘાટન વડોદરા જીતો મહિલા પાંખના ફાઉન્ડર મેમ્બર બીજલબેન શાહ તથા કચ્છ યુનિવર્સિટી ના ડીપાર્ટમેન્ટ ઓફ ઈંગ્લીશના હેડ પ્રોફેસર કાશ્મીરા મહેતા દ્વારા કરવામાં આવ્યું. બંને સન્નારીઓએ આ વર્કશોપને સમયની માંગ કહી હતી. કારણ કે સ્ત્રી ત્યારે જ સક્ષમ બનશે જ્યારે કોઈ સ્કીલ ડેવલપ કરશે. આ વર્કશોપ થી બહેનોને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં નવી દીશા મળશે.
આ વર્કશોપમાં જોડાયેલ મહિલાઓએ પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું હતું કે જ્વેલરી- એસેસરીઝ મેકિંગ ને લગતી ઘણી બાબતો એમને શીખવા મળી જે એમને આ કલાને વ્યવસાય તરીકે અપનાવવામાં ચોક્કસ થી મદદરૂપ બની રહેશે. વર્ષોથી જ્વેલરી મેકિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલ એવા જાણીતા ઉદ્યમી જીવતીબેન શાહે ખૂબ જ ખંતથી સરળ શૈલીમાં તાલીમ પૂરી પાડી હતી. તમામ બહેનોને જ્વેલરી મેકિંગ માટે જરૂરી એવી તમામ વસ્તુઓની કીટ પૂરી પાડવામાં આવી હતી. સાથે સાથે જીવતીબેન દ્વારા બનાવેલી જ્વેલરીનું એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું હતું. જેની મુલાકાત જીતો લેડીઝ વીંગ ભુજના સભ્યોએ રસપૂર્વક લીધી હતી.
વર્કશોપના આયોજનમાં કન્વીનર ચંદન મોરબીયા, નેહલ શાહ કમીટી મેમ્બર, દીપા શાહ, પલ્લવી શાહ, પ્રીતીબેન છેડા, કીંજલ શાહ રચનાબેન શાહ, પાયલ શાહ તથા રૂપાબેન શાહ એ જહેમત ઉઠાવી હતી. ભવિષ્યમાં પણ સ્ત્રીઓને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થાય તેવા કાર્યક્રમ કરવા માટે જીતો ભુજ લેડીઝ વીંગ હંમેશા પ્રયત્ન કરતી રહેશે.