મોદી બહુ જ બ્યૂટિફુલ, ટફ નેગોશિએટર, સારા માણસ અને કિલર છે: અમેરિકન પ્રમુખ

ફ્રાંસમાં યોજાયેલી જી-૭ સમિટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. મળતી માહિતી મુજબ ૧૬ મહિના બાદ બન્ને દેશોના વડાઓએ એકબીજાની સાથે મુલાકાત લીધી હતી. જેમાં વેપાર, સંરક્ષણ, હોર્મુઝ ખાડીએ વિવાદ વગેરે પર ચર્ચા થઇ હતી. ટ્રમ્પને જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે મિત્રતા અંગે સવાલ પૂછવામાં આવ્યો તો જવાબમાં અમેરિકાના પ્રમુખે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા બહુ જ ગાઢ મિત્રતા ધરાવતા દેશો છે. મોદી બહુ જ આકરા મંત્રણાકાર છે, તેઓ સૌથી સુંદર દેખાવડા માણસ છે, મોદી બહુ જ સારા દેખાય છે, એન્જલ જેવા લાગે છે પરંતુ તેઓ છે બહુ જ આકરા અને કિલર. લોકો પણ કહે છે કે મોદી બહુ જ સારા માણસ છે. દરમિયાન ટ્રમ્પે હાવડી મોદી ઇવેન્ટ યાદ કરી તો મોદીએ અમદાવાદમાં ૨૦૨૦માં યોજાયેલી નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટને યાદ કરી હતી. દરમિયાન હોર્મુઝ ખાડીએ અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત નિપજ્યા છે. એવામાં મોદીએ ઇરાન અને અમેરિકાની ડીલમાં નાવિકોની સુરક્ષાનો મુદ્દો સામેલ કરવા પણ ટ્રમ્પને સલાહ આપી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારતીય નાવિકોના મોતના સમાચાર મને મળ્યા, આ મુદ્દે સાથે મળીને કામ કરીશું, ભારતને કોઇ પણ પ્રકારનો ખતરો હશે તો તેવી સ્થિતિમાં અમેરિકા તેને પુરી મદદ કરશે. ટ્રમ્પે ફરી મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે મોદી સાથેની આ બેઠક બહુ જ શ્રેષ્ઠ રહી. સાથે જ ટ્રમ્પે ભારત આવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.