રાજસ્થાનથી પરિવાર સાથે કચ્છ આવેલા લ્યુકેમિયા પીડિત બાળકને વહીવટીતંત્રની સર્તકતાથી સમયસર સારવાર મળતા જીવ બચ્યો

કચ્છ જિલ્લાના પવિત્ર ગેબનશાહ પીર દરગાહ ખાતે રાજસ્થાનથી માનતા પૂર્ણ કરવા પરિવાર સાથે આવેલા લ્યુકેમિયા (રક્ત કેન્સર)થી પીડિત બાળકની કચ્છ આવતા અચાનક તબિયત બગડતા ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હતી. આ અંગે જાગૃતો દ્વારા વહીવટીતંત્રને જાણ કરાતા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ તત્કાલ જિલ્લા આરોગ્ય તંત્ર, ખાનગી તબીબો અને સામાજિક સંસ્થાઓએ સંકલિત પ્રયાસો કરીને બાળકનો જીવ બચાવવા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજસ્થાનના નાગોર જિલ્લાથી કચ્છ માનતા પૂર્ણ કરવા આવી રહેલા પરિવારના ૮ વર્ષીય બાળકની તબીયત રેલવે પ્રવાસ દરમિયાન બગડી હતી. બાળકની ગંભીર સ્થિતિ સર્જાતા પરિવારજનોએ આ અંગે કચ્છ કલેક્ટરનો સંપર્ક કરીને મદદ માંગી હતી. કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસીયાને આ બાબત ધ્યાને આવતા તેમણે ત્વરાએ જિલ્લા આરોગ્ય તંત્રને બાળકને જરૂરી તમામ સારવાર આપવા સૂચના આપી હતી. જેથી ટ્રેન સવારે જેવી ગાંધીધામ પહોંચી કે આરોગ્ય તંત્ર દ્વારા રેલવે સ્ટેશન પર જ બાળકને તપાસીને સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.
બાળકના રોગને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર દ્વારા ખાનગી બાળરોગ નિષ્ણાંત ડો. વિકાસ ગોયલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન બાળકને AB+ ફ્રેશ પ્લેટલેટ્સની તાત્કાલિક જરૂરિયાત ઊભી થતા ગાંધીધામ તાલુકા આરોગ્ય તંત્રના હેલ્થ સેન્ટરના ફાર્માસિસ્ટ તેમજ મુસ્કાન ફાઉન્ડેશન દ્વારા ઝડપી કામગીરી હાથ ધરી જરૂરી બ્લડ અને પ્લેટલેટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સમયસર સારવાર અને સંકલિત પ્રયાસોના પરિણામે બાળકની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો હતો. આમ સમયસરની સારવાર મળી જતાં ગંભીર સ્થિતિ સર્જાય તે પહેલા જ બાળકને ઉગારી લેવામાં આવ્યો હતો. સારવાર પૂર્ણ થયા બાદ પરિવારે પરત ફરતા સમયે કલેક્ટરશ્રી, તાલુકા આરોગ્ય તંત્ર, તબીબી ટીમ, મુસ્કાન ફાઉન્ડેશન તથા તમામ સહયોગીઓનો ભીની આંખે આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કામગીરી માટે કલેક્ટરશ્રીએ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારી ગાંધીધામ, હેલ્થ સેન્ટરના સ્ટાફ, ફાર્માસિસ્ટ તેમજ સમગ્ર આરોગ્ય ટીમની ત્વરિત કામગીરી, સંવેદનશીલ અભિગમ અને સેવાભાવનાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
આ ઘટના દર્શાવે છે કે જ્યારે આરોગ્ય તંત્ર, તબીબો અને સામાજિક સંસ્થાઓ એકસાથે માનવસેવાના ધ્યેય સાથે કાર્ય કરે છે, ત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જીવન બચાવી શકાય છે.
“સેવા પરમો ધર્મઃ” ના સૂત્રને સાકાર કરતી આ ઘટના આરોગ્ય સેવાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને માનવતાનું જીવંત ઉદાહરણ છે.