રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને ભુજમાં પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૧૨ વર્ષના સફળ સુશાસન નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને ‘‘પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા’’ યોજાઈ હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતુ કે, ધુળમાંથી ધાન પેદા કરનાર ખેડૂત રાષ્ટ્રઉત્થાન માટે પ્રાકૃતિક ખેતી અપનાવે તે આજની જરૂરીયાત છે. વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કૃષિ મહોત્સવના માધ્યમથી ખેડૂતોને જાગૃત કર્યા જેના કારણે આજે સુકુ કચ્છ બાગાયતી ક્ષેત્રે અવ્વલ બન્યું છે. પરંતુ આજે વધુ પડતા રાસાયણિક ખાતર તથા જતુંનાશકોના વપરાશને કારણે જમીન બિનઉપજાઉ બનવા સાથે આરોગ્ય પણ કથળ્યું છે. ત્યારે દેશનો દરેક નાગરિક સ્વસ્થ- તંદુરસ્ત જીવન જીવે તે માટે વડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રીશ્રી તથા રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યુ છે. ત્યારે કચ્છના કિસાનો પ્રાકૃતિક ખેતીને અપનાવીને આત્મસાત કરે તે જરૂરી છે. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ કચ્છના ખેડૂતોને કચ્છની કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી માટે ગામે ગામ જઇને ખેડૂતોનો માર્ગદર્શિત કરી રહ્યા છે. જેના પગલે કચ્છના ૫૨ હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે. હજુ પણ વધુને વધુ કિસાનો આ અભિયાનમાં જોડાઇને પોતાના પરિવારના સ્વાસ્થ્યની ચિંતા સાથે પર્યાવરણના જતનમાં સહભાગી બને તે જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, દુષ્કાળનો સામનો કરતા કચ્છમાં અઢી દાયકામાં લાખો વૃક્ષારોપણના કારણે વરસાદની સ્થિતિ બદલાઇ છે. ત્યારે કિસાનો પ્રાકૃતિક ખેતી અપનાવી દેશની અર્થ વ્યવસ્થા મજબૂત કરવા પોતાની ફરજ બનાવે તે સમયની જરૂરીયાત છે.
ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, લોકો તંદુરસ્ત જીવનશૈલી જીવી શકે તે માટે વડાપ્રધાનશ્રીએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા સૌને આહવાન કર્યું છે. સ્વાસ્થ્ય અને પ્રકૃતિના જતન માટે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત પણ આ અભિયાનમાં દરેક જિલ્લામાં જઇને ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે. ત્યારે રાસાયણિક ખેતી ત્યજીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી તંદુરસ્ત જીવન જીવવા માટે જાગૃત થાય તે જરૂરી છે. તેમણે આ પ્રસંગે કિસાનોને ભૂર્ગભ જળ રિચાર્જ, જળસંચય તથા જૂના પાણીના સ્ત્રોત પુર્ન:જીવિત કરવા પણ અનુરોધ કર્યો હતો.
જિલ્લા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરશ્રી પી.કે.તલાટીએ સ્વાગત પ્રવચન કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું.
રાજ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ પ્રાકૃતિક ખેત પેદાશના સ્ટોલ અને સરકારના વિવિધ વિભાગની યોજનાકીય માહિતીના સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને “આત્મા ફાર્મર એવોર્ડ”નું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ, આગેવાનશ્રી ફલજીભાઇ ચૌધરી, ભીમજીભાઇ જોધાણી, સુરેશ સંઘાર, મનોજભાઇ સોલંકી, હિતેશભાઇ વોરા, વસંતભાઇ વાસાણી, હિતેષ પાંચાણી, પરષોત્તમભાઇ વાસાણી સહિત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.