શિક્ષણના નામે ઉઘાડી લૂંટ, પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે ગુજરાતમાં યોજાશે ‘છાત્ર-ગુંજ’

૨૨-૨૩ જૂને રાજ્યભરના જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા વિદ્યાર્થીઓના અવાજને વાચા અપાશે
• શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા ગુજરાતમાં “છાત્ર ગુંજ” કાર્યક્રમ યોજાશેઃ શ્રી અમિત ચાવડા
• ૨૨-૨૩ જૂને ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ યોજી વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો અને ફરિયાદોને વાચા અપાશે : શ્રી અમિત ચાવડા
• ૨૨ લાખ NEETની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો ખર્ચ રૂ. ૧.૩૨ લાખ કરોડ- દેશનું શિક્ષણ બજેટ ૧.૪૦ લાખ કરોડઃ શ્રી અમિત ચાવડા
• પેપરલીક, પરીક્ષા કૌભાંડોના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ ચકનાચૂર, માનસિક તણાવ અને આત્મહત્યાના બનાવોમાં વધારો : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે : શ્રી અમિત ચાવડા
• મોદી સરકારના ૧૦ વર્ષમાં ૮૯ પેપરલીક અને ૪૮ પરીક્ષાઓ ફરી લેવાની નોબત આવી:શ્રી અમિત ચાવડા
• NEET, JEE, UPSC, SSC સહિતની પરીક્ષાઓની તૈયારી પાછળ દેશના પરિવારોનો ખર્ચ શિક્ષણ બજેટ કરતાં ત્રણ ગણો વધારે : શ્રી અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષણ, રોજગાર અને યુવાનોના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતા અત્યંત ગંભીર વિષય પર સમગ્ર ગુજરાત અને દેશનું ધ્યાન દોરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આજે દેશભરમાં શિક્ષણ વ્યવસ્થા એક પ્રકારની ઉઘાડી લૂંટનું માધ્યમ બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને લાખો વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેની સીધી અસર ભોગવી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ અને ગુજરાતમાં વારંવાર પરીક્ષાઓના પેપરો લીક થવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત, વાલીઓના આર્થિક બલિદાન અને યુવાનોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર એક પરીક્ષા રદ થવી એ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને તેમાં ચાલતા કૌભાંડોની સાબિતી છે.
તાજેતરમાં યોજાયેલી NEET પરીક્ષામાં પણ પેપર લીકના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. દેશભરમાં ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ગુજરાતમાં ૮૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અગાઉ પણ NEET પરીક્ષા અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. જ્યારે વારંવાર પેપર લીક થાય છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓનો સમગ્ર પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ડગમગી જાય છે.
મોદી સરકારના છેલ્લા દસ વર્ષ દરમિયાન અંદાજે ૮૯ જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને ૪૮ જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. NEET ઉપરાંત CBSE, SSC, NDA, વ્યાપમ સહિતની અનેક પરીક્ષાઓમાં પણ કૌભાંડો અને ગેરરીતિઓના આક્ષેપો થયા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી.
ગુજરાતની સ્થિતિનો ઉલ્લેખ કરતાં શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે બિનસચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ સહિતની અનેક ભરતી પરીક્ષાઓના પેપરો લીક થયા, પરીક્ષાઓ રદ થઈ અને લાખો યુવાનોને રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરવો પડ્યો. છતાં પરીક્ષા સંચાલન માટે જવાબદાર અધિકારીઓ અને તંત્ર સામે દાખલારૂપ કડક કાર્યવાહી જોવા મળતી નથી. NEET પેપર લીક મામલે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન દ્વારા કોઈ નૈતિક જવાબદારી સ્વીકારવામાં આવી નથી. આજે લાખો યુવાનો પોતાના ભવિષ્ય અંગે ચિંતિત છે અને સરકાર તેમની પીડા પ્રત્યે સંવેદનશીલ દેખાતી નથી.
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુવાનોના પ્રશ્નો, પીડા અને આક્રોશનો અવાજ બન્યા છે. તેમણે રાજસ્થાનના કોટા ખાતે યોજાયેલા ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો અને પરીક્ષા પદ્ધતિ, શિક્ષણ વ્યવસ્થા તથા યુવાનોના ભવિષ્ય અંગે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ કરી. NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા ખર્ચનો અંદાજ જોતાં માત્ર NEET પરીક્ષાની તૈયારી પાછળ જ આશરે રૂ. ૧.૩૨ લાખ કરોડ જેટલો ખર્ચ થાય છે. કોચિંગ ક્લાસીસ, હોસ્ટેલ, પુસ્તકો, રહેવા-જમવા અને અન્ય ખર્ચનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો દેશના શિક્ષણ બજેટની સમકક્ષ થાય છે.
ભારતમાં NEET, JEE, UPSC, SSC, RRB સહિતની સ્પર્ધાત્મક તથા અન્ય મહત્વની પરીક્ષાઓની તૈયારી પાછળ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવતો કુલ ખર્ચ અંદાજે રૂ. 3.5 લાખ કરોડ જેટલો હોવાનું માનવામાં આવે છે, જે કેન્દ્ર સરકારના વાર્ષિક શિક્ષણ બજેટ કરતાં અનેક વધારે છે. આ આંકડો દર્શાવે છે કે દેશના પરિવારો શિક્ષણ અને ભવિષ્ય માટે કેટલું મોટું આર્થિક રોકાણ કરે છે, દેશના વિવિધ ભાગોમાં તથા ગુજરાતમાં પણ પરીક્ષા સંબંધિત તણાવના કારણે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કર્યાના બનાવો સામે આવ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે.
શ્રી રાહુલ ગાંધીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પાર્ટી શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારા, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા, પેપર લીક અને ભરતી કૌભાંડ સામે કડક કાર્યવાહી તેમજ શિક્ષણના નામે થતી ઉઘાડી લૂંટને રોકવા માટે રાજ્યવ્યાપી અભિયાન ચલાવશે. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને કોંગ્રેસ સતત લડત આપતી રહેશે.
આવનારી ૨૨ અને ૨૩ જૂનના રોજ ગુજરાતના તમામ જિલ્લા મથકો પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો, ફરિયાદો અને શિક્ષણ વ્યવસ્થાને લગતી ચિંતાઓને વાચા આપવામાં આવશે. જિલ્લા સ્તરે વિદ્યાર્થીઓના અવાજને મજબૂત રીતે ઉઠાવી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર, પ્રવકતા ડૉ. મનીષ દોશી, મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રદેશ મહામંત્રી અને અમદાવાદ શહેર પ્રભારી ડૉ. હિમાંશુ પટેલ, પ્રવક્તા ડૉ. હિરેન બેન્કર, શ્રી મુકેશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.