આજરોજ ભુજ નગરપાલિકા રોડલાઈટ શાખાની બેઠક મળી

આજરોજ ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહના અધ્યક્ષસ્થાને અને નવનિયુક્ત રોડલાઈટશાખા ચેરમેન મયંકભાઈ રૂપારેલના માર્ગદર્શન અન્વયે ભુજ નગરપાલિકા રોડલાઈટ શાખાની બેઠક મળી હતી. અંદાજે ૨૫ જેટલા નિષ્ણાત કર્મયોગીઓ ધરાવતી ભુજ નગરપાલિકાની રોડલાઈટ શાખાની ટીમ દ્વારા આગામી દિવસોમાં વધુ ઉત્કૃષ્ટ અને ઝડપી કામગીરી કઈ રીતે પાર પાડવી એ અંગે વિચારોનું આદાન-પ્રદાન કરતી એક મનોમંથન બેઠક યોજાઈ હતી. બેઠકના પ્રારંભે બ્રાંચહેડ વત્સલ ગુસાઈએ સર્વે કર્મચારીઓનો પદાધિકારીઓ સાથે પરિચય કરાવ્યો હતો અને વિભાગની કામગીરી વિષે અવગત કર્યા હતા.
આ બેઠકને સંબોધતા પ્રમુખ શીતલભાઈ શાહે જણાવ્યું હતું કે ભુજ શહેર એ તેની હરોળમાં આવતા અન્ય શહેરોની સાપેક્ષે ખુબ ઝડપથી વિકાસ પામી રહ્યું છે ત્યારે ભુજ શહેરમાં રોડલાઈટ સબંધિત કોઈપણ પ્રકારની તકલીફ ન ઉદ્ભવે એ જોવાની આપણા સૌની સહિયારી ફરજ બની રહે છે. સુગમ કામગીરી પરિપૂર્ણ કરવા માટે અંતરાયરૂપ બનતી તમામ મુશ્કેલીઓનો આપણે સૌ સાથે મળીને નિરાકરણ લાવીશું.
રોડલાઈટ શાખાના ચેરમેન મયંકભાઈ રૂપારેલે જણાવ્યું હતું કે ભુજ એ કચ્છનું જીલ્લા મથક હોવાથી કચ્છ પધારતા દેશ વિદેશના તમામ યાત્રિકો ભુજને જોઈને કચ્છની પ્રગતિ અને વિકાસ થી માહિતગાર થાય છે ત્યારે શહેરના સૌન્દર્ય, સલામતી અને સુશોભન માટે રોડલાઈટશાખાની ખુબ મોટી જવાબદારી બની રહે છે. ટૂંક સમયમાં ચોમાસું બેસી જવાથી રોડલાઈટ સબંધિત ફરિયાદોમાં સ્વાભાવિકપણે ઉછાળો આવશે એવા સંજોગોમાં યુધ્ધના ધોરણે સમસ્યાઓનું નિવારણ કરવું અનિવાર્ય બની રહેશે અને કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જો વધુ સાધનો કે સંશાધનોની જરૂરીયાત ઉભી થશે તો તેના માટે પણ મારા સહીત સમગ્ર ટીમ સંપૂર્ણ કટ્ટીબદ્ધ છે.
આ બેઠકમાં કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીએ પણ માર્ગદર્શન આપ્યું હતું તેમજ આગામી કારોબારી બેઠકોમાં ક્રમશ: રોડલાઈટ શાખાની તમામ જરૂરી અને પડતર માંગણીઓ પર ધ્યાન આપીને એ વિષય પર ગંભીરતાપૂર્વક કામગીરી કરવામાં આવશે એવું ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રીના અંગત મદદનીશ કુણાલ ભીન્ડેની યાદીમાં જણાવાયું હતું.