અંજારના ભીમાસર ગામે બે વર્ષ જૂની વીજ સમસ્યાનો નિવારણ,ભીમ આર્મી કચ્છ ટીમે કરી હતી તંત્ર ને ઉગ્ર રજૂઆત

અંજાર તાલુકાના ભીમાસર ગામના દલિત વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી વીજળીની વિકટ સમસ્યાનો આખરે ઉકેલ આવ્યો છે. ભીમ આર્મી ભારત એકતા મિશન કચ્છ જિલ્લા સંગઠનની રજૂઆતને પગલે PGVCL તંત્ર દ્વારા આજે તા. ૧૭-૦૬-૨૦૨૬ના રોજ સ્થળ પર કામગીરી હાથ ધરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે.
ભીમાસર ગામમાં મોટાભાગે દલિત સમાજના પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારમાં હાલના ડી.પી. પર ઓવરલોડના કારણે અવાર-નવાર શોર્ટ સર્કિટ થતાં વીજળી બંધ થઈ જતી હતી. ખાસ કરીને રાત્રિના સમયે ૧૨ વાગ્યા સુધી મોટા ભડાકા સાથે લાઈટ જતી રહેતી હતી. જેના કારણે વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ, નાના બાળકો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.
આ સમસ્યાના નિવારણ માટે ભીમ આર્મી કચ્છ જિલ્લા પ્રમુખ હરિભાઈ પરમાર, જિલ્લા ઉપાધ્યક્ષ દેવભાઈ મણવર, મહામંત્રી ભીમજી બોચીયા, ભરતભાઈ સહિતની ટીમે PGVCL અંજારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. સંગઠને ચીમકી આપી હતી કે 5 દિવસમાં કામગીરી નહીં થાય તો કચેરીને તાળાબંધી કરવામાં આવશે.
ભીમ આર્મીની રજૂઆત બાદ PGVCL તંત્ર હરકતમાં આવ્યું હતું. આજે તંત્ર દ્વારા નવી ડી.પી. પર કેબલ જોડાણ કરી તેને સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવી હતી. હાલ વિસ્તારમાં વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ થઈ ગયો છે. વીજ સમસ્યા હલ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને સ્થાનિકોએ ભીમ આર્મીનો આભાર માન્યો હતો.
આ અંગે ભીમ આર્મી કચ્છ જિલ્લા મીડિયા કન્વીનર માવજી હિંગણાએ જણાવ્યું હતું કે, સંગઠનની રજૂઆતને ધ્યાને લઈ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાતા દલિત વિસ્તારના લોકોને મોટી રાહત થઈ છે.