બંગાળ હવે `બેડીઓમાંથી આઝાદ’ થયું : મોદી
copy image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ `પોતાની બેડીઓમાંથી આઝાદ થઇ ગયું છે’ અને વિકાસની નવી યાત્રાએ નીકળ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીના નિર્ણયથી આવેલું પરિવર્તન આખા રાજ્યમાં નજરે પડી રહ્યું છે. પશ્ચિમ બંગાળની મુલાકાતે આવેલા વડાપ્રધાને તારકેશ્વરમાં અનેક વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત બાદ `પશ્ચિમ બંગ દિવસ’ પ્રસંગે જનસભાને સંબોધી હતી. તેમણે `પીએમ કિસાન યોજના’નો 18,880 કરોડનો 23મો હપ્તો જારી કર્યો હતો. પીએમે કોંગ્રેસ પર પ્ર્રહાર કરતાં આક્ષેપ લગાવ્યો હતો કે, દેશની આઝાદીના સમયે બંગાળને પાકિસ્તાનમાં ભેળવી દેવા પ્રયાસ કરાયો હતો. જનસભાને સંબોધતાં વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, બંગાળની હવામાં હવે એક `નવી તાજગી’ અનુભવાય છે. એવું લાગી રહ્યું છે કે, બંગાળ હવે પોતાની બેડીઓમાંથી આઝાદ થયું છે અને બંગાળની શાનની વાપસી શરૂ થઇ છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં થયેલાં પરિવર્તને લોકતંત્રની તાકાત દેખાડી છે, બંગાળના લોકોના ચહેરા પર ચમક છે અને ગામોમાં ખુશી અને વિશ્વાસની ભાવના છે. બંગાળમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, તમારો એક મત કઇ રીતે પરિવર્તન લાવી શકે છે. મોદીએ ભારત-બાંગલાદેશ સરહદ પર વાડ લગાવવાનાં કામમાં ઝડપ લાવવા રાજ્ય સરકારના પ્રયાસો પર ભાર આપતાં આરોપ લગાવ્યો કે અગાઉની સરકારકે આ પ્રક્રિયાને અટકાવી હતી. વડાપ્રધાન `રાજ્ય દિવસ’ના પ્રસંગે આયોજિત સમારોહમાં જોડાયા હતા, જેમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી, મંત્રીઓ, ધારાસભ્યો, લોકો ઉપસ્થિત રહ્યા હતા.