કચ્છ જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાનને સફળ બનાવવા જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન સમિતિની બેઠક યોજાઈ
આગામી તા. 28 જૂન, 2026ના રોજ યોજાનાર રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન સમિતિની બેઠક આજે જિલ્લા પંચાયત, ભુજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા રસીકરણ અધિકારી (RCHO)શ્રી, તમામ તાલુકા હેલ્થ ઓફિસરો, આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા રોગચાળો નિયંત્રણ અધિકારી (IDSP), જિલ્લા ઇમ્યુનાઇઝેશન ટીમ તેમજ IAP, IMA અને રોટરી ક્લબના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન તા. 28 જૂન, 2026ના રોજ યોજાનાર પલ્સ પોલિયો અભિયાનની તૈયારીઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં અંદાજિત 3,14,293 બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 4,85,115 ઘરો સુધી પહોંચવા માટે સુનિયોજિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અભિયાનના સફળ અમલીકરણ માટે જિલ્લામાં કુલ 1,506 પોલિયો બુથો કાર્યરત રહેશે તેમજ 2,553 ટીમો દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. એકપણ બાળક પોલિયોના ટીપાંથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, ICDS, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી કામગીરી કરવામાં આવશે.
બેઠકમાં પોલિયો રાઉન્ડ, રૂટિન ઇમ્યુનાઇઝેશન, ટ્રાન્ઝિટ અને મોબાઇલ ટીમોની કામગીરી, જનજાગૃતિ અભિયાન તેમજ સુપરવિઝન વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અધ્યક્ષશ્રીએ તમામ વિભાગોને સંપૂર્ણ સંકલન સાથે કાર્ય કરી અભિયાનને શત-પ્રતિશત સફળ બનાવવા સૂચના આપી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ વાલીઓને પોતાના 0 થી 5 વર્ષના બાળકોને તા. 28 જૂન, 2026ના રોજ નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવવા અપીલ કરવામાં આવી છે.
“દરેક બાળક સુધી પોલિયોના બે ટીપાં પહોંચે, એ આપણી સૌની જવાબદારી છે.”
જિલ્લા આરોગ્ય તંત્ર, ભુજ – કચ્છ