બે અથવાળિયાના વિરામ બાદ આખરે આગળ વધ્યું ચોમાસુ :અરબી સમુદ્રની શાખા હવે આગળ વધીને દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ

image-259

લગભગ 13 દિવસ સુધી સ્થિર રહ્યા બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ફરી ગતિ પકડી છે. અરબી સમુદ્રની શાખા હવે આગળ વધીને દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી છે, જ્યારે મુંબઈ સહિત સમગ્ર ઉત્તર કોંકણ વિસ્તાર પણ સંપૂર્ણપણે ચોમાસા હેઠળ આવી ગયો છે.

તાજેતરના હવામાન અપડેટ અનુસાર, ચોમાસું મધ્ય અરબી સમુદ્રના બાકીના વિસ્તારો, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાત સુધી આગળ વધ્યું છે. આ સાથે મુંબઈ, ઠાણે અને સમગ્ર ઉત્તર કોંકણ વિસ્તાર, પુણે સહિત મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, મરાઠવાડા અને વિદર્ભના કેટલાક ભાગો, તેમજ તેલંગાણા, ઝારખંડ, ઓડિશા અને બિહારના વધુ વિસ્તારોમાં પણ ચોમાસું સક્રિય થયું છે.

હાલ ચોમાસાની ઉત્તર સીમા (NLM) ઉત્તર અરબી સમુદ્રથી શરૂ થઈ સુરત, માલેગાંવ, છત્રપતિ સંભાજીનગર, લાતુર, નિઝામાબાદ, ગડચિરોલી, રાયપુર, લોહાર્દાગા અને રામનગરમાંથી પસાર થઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન પરિસ્થિતિ વધુ અનુકૂળ બનવાની સંભાવના છે. જેના કારણે મધ્ય મહારાષ્ટ્રના બાકીના વિસ્તારો, મરાઠવાડા અને વિદર્ભના વધુ ભાગો, સમગ્ર તેલંગાણા તેમજ છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધશે.

13 દિવસના લાંબા વિરામ બાદ ચોમાસું ફરી સક્રિય થતાં પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદની ગતિ તેજ બનવાની સંભાવના હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.