કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ ભુજ-માંડવી હાઈવે પર નવીન રોલર ક્રેશ બેરિયર પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું

કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાએ ભુજ માંડવી હાઈવે પર અકસ્માત નિવારવા હેતુથી ઇન્સ્ટોલ કરવામાં આવી રહેલા નવા રોલર ક્રેશ બેરિયરની કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગ સલામતીને પ્રાથમિકતા આપીને કામગીરી કરવા અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, માંડવી તાલુકાને કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ સાથે જોડતો ભુજ-માંડવી રોડ મહત્વપૂર્ણ રાજ્ય ધોરીમાર્ગ છે, જ્યાં હાલમાં માર્ગ સલામતી માટે નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. આ રસ્તો ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થતો હોવાથી તેમાં હોરીઝોન્ટલ અને વર્ટીકલ વળાંકો આવેલા છે. આ કારણે ભૂતકાળમાં કિમી ૫/૪૦૦ થી ૨૬/૦૦ ના વિસ્તારમાં અવારનવાર અકસ્માતો થયા છે. આ સમસ્યાને હલ કરવા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કચ્છ વહીવટીતંત્ર દ્વારા નવીન ટેક્નોલોજી સાથેના રોલર ક્રેશ બેરિયર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ સલામતી પહેલ ગુજરાતમાં અંબાજી રોડ અને સાપુતારા રોડ પર થયેલા પાયલોટ પ્રોજેક્ટના સફળ અમલીકરણથી પ્રેરિત છે. રોલર ક્રેશ બેરિયર લગાવ્યા બાદ અકસ્માતો નિવારવામાં અને જીવ બચાવવામાં ખૂબ મોટો ફાયદો જોવા મળ્યો છે. આ હકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને, ભુજ-માંડવી રૂટ પર સામાન્ય ક્રેશ બેરિયરની જગ્યાએ આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવી હતી. સરકારશ્રીમાંથી મંજૂરી મળ્યા બાદ, હાલમાં આ રસ્તા પર કિમી ચેઈનેજ ૮/૨૦૦, ૯/૨૦૦, ૧૦/૧૦૦ અને ૧૧/૦૦૦ પર નવા રોલર ક્રેશ બેરિયર લગાવવાની કામગીરી પ્રગતિમાં છે.

  આજરોજ કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ કામગીરી ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરીને મુસાફરોની સેફ્ટીને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને આ મહત્વપૂર્ણ માર્ગ ખાતે અકસ્માતો નિવારી શકાય તે દિશામાં તમામ આવશ્યક પગલાંઓ લેવા કચ્છ કલેક્ટરશ્રીએ સૂચન કર્યું હતું.