*આજરોજ કચ્છ જીલ્લા ભાજપ દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખરજીને બલિદાન દિવસે પુષ્પાંજલિ અર્પણ કરાઈ*

કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ તા. 23/6/26 ના રોજ બલિદાન દિવસે જનસંઘના સ્થાપક એવા ડો. શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિ નિમિતે જુના ભાજપ કાર્યાલય, ભુજ પાસે આવેલી તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સાથોસાથ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે આ પ્રસંગે શ્યામાપ્રસાદજીના જીવનચરિત્ર વિશે સૌને માહિતગાર કર્યા હતા.
બલિદાન દિવસની પૂર્વસંધ્યાએ ભુજ શહેર ભાજપની ટીમ દ્વારા શ્યામાપ્રસાદજીની પ્રતિમાને નિર્મળ જળથી સ્નાન કરાવીને દિવ્ય કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સર્વે આગેવાનોએ કાશ્મીરની અખંડિતતા અને સૌહાર્દ જાળવવા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખરજીને યાદ કરીને સૌ પ્રથમ તેમની પ્રતિમા પર હારારોપણ અને ત્યાર બાદ કચ્છ કમલમ ખાતે તેમની છબી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ 6 જુલાઈ 1901 ના થયો હતો અને તેઓ માત્ર 53 વર્ષની આયુમાં જ ત્યાગ, બલિદાન અને સમર્પણની અમિટ છાપ મૂકી ગયા હતા. તેઓ મૂળભૂતપણે સ્વભાવથી શિક્ષણ ક્ષેત્રના વ્યક્તિ હતા અને 33 વર્ષની ઉંમરમાં જ તેઓ કલકતા યુનિવર્સિટીના ઉપકુલપતી બન્યા હતા. ત્યારબાદ રાજકીય કારકિર્દીમાં તેમને પ્રથમ વચગાળાની સરકારમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા અને તેમણે કાશ્મીર અને ભારતના ગૌરવ અને સ્વાભિમાન માટે પોતાનું બલિદાન આપ્યું હતું. વધુમાં શ્રી વરચંદે ઉમેર્યું હતું કે શ્યામાપ્રસાદજી આપણા સૌના માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત છે. તેમનું જીવન ચરિત્ર દરેક કાર્યકરને રાષ્ટ્ર્ર માટે કંઈક પણ કરી છૂટવાની પ્રેરણા આપે છે. તેઓ સતા માટે રાજકારણમાં ક્યારેય આવ્યા ન હતા કે ના તો તેમણે ક્યારેય સતાના મોહ માટે રાજકીય સમાધાનો કર્યા હતા. તેમણે કાશ્મીર માટે એક દેશ, દો વિધાન, દો પ્રધાન, દો નિશાન નહીં ચલેગાનું સૂત્ર આપીને એક અનેરો જંગ છેડીને સત્યાગ્રહ કર્યો હતો.
આ કાર્યક્રમમાં દેવજીભાઈ વરચંદ ઉપરાંત જીલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રફુલ્લસિંહ જાડેજા, આશિકાબેન ભટ્ટ, અશોકભાઈ હાથી, પૂર્વ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ હિતેશભાઈ ગોસ્વામી, જીલ્લા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ આકિબભાઈ બાયડ, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, ભુજ શહેર ભાજપ મહામંત્રી જીગરભાઈ શાહ, ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, ભુજ શહેર ભાજપના જયંતભાઈ ઠક્કર, રચનાબેન શાહ, બીંદીબેન ભાટી સહિત ભુજ શહેર ભાજપના હોદેદારો, નગરસેવકો અને વિવિધ મોરચાના આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.