મોદી કેબિનેટમાંથી દિગ્ગજ નેતાની વિદાય, કુરિયનનું રાજીનામું 

copy image

copy image

ભાજપના વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયને કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ રાજ્યસભામાં તેમનો છ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ ગયા બાદ અને પાર્ટીએ તેમને ફરીથી નોમિનેટ કર્યા ન હતા. પરિણામે, તેમને પદ છોડવાની ફરજ પડી હતી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કેહવાયું છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર બંધારણની કલમ હેઠળ  કુરિયનનું રાજીનામું સ્વીકાર્યું છે. દરમ્યાન, મોડેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળતાં મંત્રી મંડળમાં ફેરફારોની અટકળોને વેગ મળ્યો છે. પદ્મ એવોર્ડના કાર્યક્રમ પૂર્વેની મોદી મહામહિમને મળ્યા હતા અને ચર્ચા કરી હતી. ભાજપ પ્રમુખ નીતીન નબીન અને રાજ્યસભા સાંસદ અચાનક દિલ્હી પહોંચતાં કેબિનેટની સાથે ભાજપ સંગઠનમાં પણ બદલાવની શક્યતા જોવાઈ રહી છે. મીડિયા અહેવાલો બાદ કુરિયન બાદ રવનીતસિંહ બિટ્ટુ, પંકજ ચૌધરી અને હર્ષ મલ્હોત્રાની પણ `છુટ્ટી’ની ચર્ચાઓ થઇ રહી છે. બિટ્ટુ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી છે અને તેમનો રાજ્યસભાનો કાર્યકાળ 21 જૂને પૂરો થઈ ગયો છે. ભાજપે તેમને પુન: નામાંકિત કર્યા નથી. હર્ષ મલ્હોત્રાને દિલ્હી ભાજપના અધ્યક્ષ બનાવાયા છે એટલે તેમને બે પદના મુદ્દે કેબિનેટમાંથી હટાવાઈ શકે. જ્યારે ચૌધરીને ગયા વર્ષે ડિસેમ્બરમાં યુપી ભાજપના પ્રમુખ નિયુક્ત કરાયા હતા. 65 વર્ષીય કુરિયન કોટ્ટાયમના રહેવાસી છે. તેઓ વ્યવસાયે વકીલ છે અને લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ ટીવી ચર્ચાઓમાં પણ પાર્ટીનો જાણીતો ચહેરો છે. 2024માં મોદી મંત્રી-મંડળમાં કુરિયનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે સમયે, ભાજપ દ્વારા કેરળમાં પોતાની પકડ મજબૂત કરવા અને ખ્રિસ્તી સમુદાય સુધી પોતાની પહોંચ વધારવાની આ રણનીતિ તરીકે જોવામાં આવી રહી હતી.