કૃષિ મહાવિદ્યાલય અને વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ ખાતે‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી

વિભાગીય સંશોધન કેન્દ્ર અને કૃષિ મહાવિદ્યાલય, ભચાઉ ખાતે ૨૧ જૂનના રોજ
‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે
ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓ,
કૃષિ મહાવિદ્યાલયના પ્રાધ્યાપકશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી યોગ
દ્વારા સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં સહસંશોધન વૈજ્ઞાનિક અને વડા ડૉ. આર. એમ જાડેજાએ
પ્રાસંગિક ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે યોગ માત્ર એક કસરત નહીં પરંતુ શરીર, મન અને
આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે નિયમિત યોગ અને
પ્રાણાયામને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમજ
તમામ ઉપસ્થિતોને તંદુરસ્ત અને તણાવમુક્ત જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લેવડાવ્યો
હતો.
ત્યારબાદ યોગ પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને
ધ્યાનની ક્રિયાઓનું સામૂહિક આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને
સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન નિયમિત
યોગના શારીરિક, માનસિક અને સામાજિક લાભો વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવાનો તેમજ
પોતાના પરિવાર અને સમાજમાં યોગ અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો. આ રીતે
કૃષિ મહાવિદ્યાલય અને વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ ખાતે આયોજિત ‘આંતરરાષ્ટ્રીય યોગ
દિવસ’ની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.