કોંગ્રેસ પ્રેરિત કટોકટીના કાળા દિવસની દર્દનાક કહાની જન જન સુધી પહોંચાડવા કચ્છ જીલ્લા ભાજપ દ્વારા ગાંધીધામ ખાતે એક વિશિષ્ઠ પ્રદર્શની યોજવામાં આવી

ભારત દેશ આઝાદ થયો તેને આઠ દાયકા પૂર્ણ થવા જઈ રહ્યા છે. દેશવાસીઓની અસહ્ય યાતનાઓ બાદ આખરે જ્યારે દેશ આઝાદ થયો અને એ પછી સુવર્ણ ભારતના ભવિષ્યની કલ્પના કરતાં કરોડો લોકોએ અનેક સુંદર સપનાઓ જોયાં હતા પણ આઝાદ ભારતના એ તમામ લોકોના સ્વપ્નો રોળી નાંખીને કોંગ્રેસ અને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટીના સ્વરૂપમાં દુઃસ્વપ્ન સમું એક અક્ષમ્ય ફરમાન તાત્કાલિક અસરથી લાગું કર્યું જેની આ દેશના લોકોએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી.

કોંગ્રેસના આ કાળા કરતૂતોનો નવી પેઢી સમક્ષ પર્દાફાશ કરવા તેમજ કટોકટીના કાળા દિવસની દર્દનાક દાસ્તાનને જન જન સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવાય છે જે અંતર્ગત આજ રોજ ગાંધીધામ ખાતે એક વિશિષ્ઠ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનમાં કટોકટી વેળાએ સર્જાયેલી રાષ્ટ્રવાદી અરાજકતા, અફરાતફરી અને લોકશાહીના દમનની અનેક કલંકિત તસવીરો આજની નવી પેઢીને ધ્યાનમાં આવે એ રીતે મૂકવામાં આવી હતી. સાથોસાથ આ માધ્યમથી આપણા વડીલોને પણ કોંગ્રેસની એ વખતની બિહામણી કરતૂતોનું પુનઃ સ્મરણ થઈ ગયું હતું.

આ પ્રસંગે જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે તેમના પ્રતિભાવો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ૨૫ જૂન, ૧૯૭૫ની રાત્રે સાર્વભૌમ ભારતના સંવિધાનને ગળે ટૂંપો દઈ તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ આઝાદ ભારતમાં શ્વાસ લેતા પ્રત્યેક નાગરિક પાસેથી તેમના સંવૈધાનિક હક્કો છીનવી લઈને દેશની અત્યાર સુધીની સૌથી મોટી અરાજકતાનો પરચો દેખાડ્યો હતો. એ વાતને આજે ૫૧ વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે આજના યુવાનોને એ કટોકટી કાળની દર્દનાક કથની વિશે પૂરું જાણવા ન મળ્યું હોય તે સ્વાભાવિક છે. આજે એકાવન વર્ષે પણ એ ૧૯ મહિનાના કાળા દિવસોની કડવી યાદો ભૂલી શકાય તેવી નથી ત્યારે આજની પેઢી પણ એ વાત હકીકત સ્વરૂપે અને યથાર્થપણે જાણે તે હેતુથી જિલ્લા ભાજપ દ્વારા જનજન સુધી આ વાત પહોંચે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વધુમાં શ્રી વરચંદે કટોકટીના સમય દરમ્યાન અનેક વિપક્ષી નેતાઓએ ભોગવેલી જેલયાતના અને આતંક સહન કરીને કેવી રીતે કટોકટી અને કોંગ્રેસનો વિરોધ ચાલુ રાખ્યો હતો તેની માહિતી આપી હતી. સ્વ. અટલબિહારી વાજપેયી સહિત અનેક નેતાઓએ દેશ ખાતર કોંગ્રેસના કાળા જુલમો સહ્યા હતા તેની યાદ પણ અપાવી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે એ સમયે ગુજરાતે વિરોધ ચળવળમાં અગ્રેસર ભૂમિકા ભજવી હતી. ગુજરાતનાં અનેક લોકો, આરએસએસના સ્વયંસેવકો, જનસંઘના અગ્રણીઓએ પણ જેલ યાતના ભોગવવી પડી હતી. એ સમયે ખાસ કાયદો બનાવીને મિસા કહીને ધરપકડ કરવામાં આવતી હતી, જેમાં જામીન પણ શક્ય નહોતી. મિસા હેઠળ અનેક લોકોએ ધરપકડ વહોરી હતી.

આ પ્રદર્શનીમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ઉપરાંત રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જીલ્લા પંચાયત અધ્યક્ષા પ્રભાબેન હુણ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઇ આચાર્ય, ભીમજીભાઇ જોધાણી, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, પ્રદેશ ભાજપ સહ પ્રવક્તા મનજીભાઈ આહિર, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષો પ્રફુલ્લસિંહ જાડેજા, વિકાસભાઈ રાજગોર, અશોકભાઈ હાથી, મૂળજીભાઈ આહીર આશિકાબેન ભટ્ટ, જીલ્લા ભાજપ મંત્રી કંચનબેન વાઘેલા, જીલ્લા ભાજપ ખજાનચી સુરેશભાઈ ટાંક, પ્રભારીઓ મોમાયાભાઈ ગઢવી, હેમંતભાઈ શાહ, વસંતભાઈ કોડરાણી, ગાંધીધામ શહેર મંડળના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ મહાનગરપાલિકા મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેજસભાઈ શેઠ, શાસકપક્ષ નેતા ભરતભાઈ મીરાણી, દંડક સુરેશભાઈ ધુવા તેમજ સમગ્ર પ્રદર્શની કાર્યક્રમના ઈન્ચાર્જ વિજયભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.