નખત્રાણાના કોટડા જડોદરમાં સવારથી દબાણ હટાવ ઝુંબેશ, પાકા દબાણો તોડવાનું શરૂ

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામમાં આજે સવારથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ગામમાં વર્ષોથી અણચણ રૂપ બનેલા પાકા દબાણોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સ્થાનિક તંત્રના અધિકારીઓ પોલીસ કાફલા સાથે સવારથી જ કોટડા જડોદર પહોંચી ગયા હતા. ગામના મુખ્ય માર્ગો અને જાહેર જગ્યાઓ પર ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલા પાકા બાંધકામોને જેસીબી મશીનથી તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ આ દબાણોના કારણે ગામમાં આવન-જાવનમાં ભારે મુશ્કેલી પડતી હતી. રસ્તા સાંકડા થઈ જવાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી. અનેક વખત રજૂઆતો બાદ આજે તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાલ દબાણ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જાહેર માર્ગો પરના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે. કોઈપણ પ્રકારની બાંધછોડ વગર કામગીરી પૂર્ણ કરવાનો આદેશ છે.

સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. ગ્રામજનોમાં આ કામગીરીને લઈને મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા દબાણ હટાવ્યા બાદ રસ્તાઓને પહોળા કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.