હિંદ મહાસાગરને અવસરોનું મહાસાગર બનાવવાનું અમારું વિઝન

copy image

વિક્ટોરિયા : સેશલ્સના ત્રણ દિવસના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પૈટ્રિક હર્મિની વચ્ચે રવિવારે પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક યોજાઈ હતી, જેમાં બે દેશ વચ્ચે 19 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ અવસરે નેશનલ એસેમ્બલીને સંબોધન કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનેલા મોદીએ ટાપુદેશની ભૂમિ પરથી સંદેશ આપ્યો હતો કે, બે દેશ સાથે મળીને હિન્દ મહાસાગરને `અવસરોનો મહાસાગર’ બનાવવાની દિશામાં કામ કરે. ભારત અને સેશલ્સ માને છે કે, હિન્દ મહાસાગર બન્ને દેશોનું સહિયારું ઘર છે. હિન્દ મહાસાગર એવું ક્ષેત્ર હોવું જોઈએ, જ્યાં સમુદ્રી સુરક્ષાની સાથે આર્થિક સમૃદ્ધિ સુનિશ્ચિત થાય તેવું મોદીએ જણાવ્યું હતું. બે દેશ વચ્ચે ડિજિટલ પેમેન્ટ, સંરક્ષણ, અવકાશ,  આરોગ્ય, કૃષિ અને શિક્ષણ સહિત મહત્ત્વનાં ક્ષેત્રોમાં 19 સમજૂતી કરાર થયા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, પ્રત્યાર્પણ સમજૂતી, અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગમાં સહયોગ, નવી રાષ્ટ્રીય હોસ્પિટલની તૈયારી, એક્સિમ બેન્કની લાઈન ઓફ ક્રેડિટ જેવા મહત્ત્વના સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરાયા હતા. ભારત તરફથી સેશલ્સને છ એમ્બ્યુલન્સ, 500 મેટ્રિક ટન ચોખા, 8500 મેટ્રિક ટન સિમેન્ટ આપવાની ઘોષણા કરાઈ હતી. આ પહેલ બન્ને દેશોના સંબંધો વધુ ઊંડા કરવાની દિશામાં એક મોટું પગલું  માનવામાં આવે છે. ભારત અને સેશલ્સના રાજદ્વારી સંબંધોને 50 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે એક સ્મૃતિરૂપ લોગો પણ લોંચ કરાયો હતો, જેને બે દેશ વચ્ચે લાંબા સમયથી જળવાયેલા ભરોસા અને મિત્રતાનું પ્રતીક લેખાવાયો હતો. વડાપ્રધાન મોદીએ સેશલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધતાં જણાવ્યું હતું કે, સેશસ્લ સાથે ભારતના સંબંધ માત્ર 50 વર્ષ જૂના નથી, પરંતુ સંબંધની શરૂઆત 1770માં થઈ હતી, જ્યારે `થેલેમાક’ જહાજમાં બેસીને પાંચ ભારતીય સેશલ્સ પહોંચ્યા હતા.