ફ્રાન્સમાં ગરમીથી હાહાકાર : ચાર દિવસમાં 1000 લોકોનાં મોત
copy image

યુરોપમાં ચાલી રહેલી ભીષણ ગરમીને કારણે ફ્રાન્સમાં ચાર દિવસમાં 1,000થી વધુ લોકોનાં મોત નોંધાયાં છે. આરોગ્ય સંસ્થાઓના મતે આ આંકડો વધારે હોવાની પણ શક્યતાઓ છે. મૃત્યુઆંકની પ્રાથમિક ગણતરીની વિગતો આપતાં સેન્ટી પબ્લિકે કહ્યું હતું કે, `મોટાભાગના મૃત્યુ વૃદ્ધોના થયા છે. રહેણાક સંભાળ કેન્દ્રો અને ઘરોમાં થયેલાં મોત વિશે વધુ માહિતી ઉપલબ્ધ થતાં મૃત્યુદરમાં હજુ વધારો થવાની પણ આશંકા છે. આ ગરમીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, વીજ ઉત્પાદનને ખોરવી નાખ્યું છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યું છે.’ વૈજ્ઞાનિકોએ બતાવ્યું હતું કે, 20 જૂનથી શરૂ થયેલી આ હીટવેવ યુરોપમાં અત્યાર સુધીની સૌથી ખરાબ હીટવેવ છે, જ્યાં વૈશ્વિક સરેરાશ કરતાં વધુ ઝડપે આબોહવા બદલાઈ રહી છે. આ હીટવેવ હવે પૂર્વ તરફ આગળ વધી રહી છે. જો કે, ફ્રાન્સની હવામાન એજન્સીએ કહ્યું હતું કે, દેશના મોટાભાગના ભાગોમાં અતિશય ગરમીમાં ઘટાડો થયો છે, પરંતુ ઉત્તર-પૂર્વના કેટલાક વિસ્તારો હજુ પણ હીટવેવની માર્ગદર્શિકા હેઠળ છે. આરોગ્યપ્રધાન સ્ટેફની રિસ્ટાએ `લા ટ્રિબ્યુન’ અખબારને જણાવ્યું હતું કે, `હવામાન સામાન્ય થયા પછી પણ, આગામી 10 દિવસ સુધી હીટવેવની અસર જોવા મળી શકે છે. ગરમીનું આ પ્રકરણ હજી પૂરું થયું નથી.’ સેન્ટી પબ્લિકે કહ્યું કે, મોટાભાગના મૃત્યુ 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોના થયા છે. જો કે, અતિશય ગરમીની આરોગ્ય પરની અસરો તમામ વયના લોકો પર જોવા મળી છે. `પબ્લિક હેલ્થ ફ્રાન્સ’એ આજે જણાવ્યું હતું કે, બુધવારથી અત્યાર સુધીમાં દેશમાં સામાન્ય દિવસોની તુલનાએ એક હજારથી વધુ વધારાનાં મોત નોંધાયાં છે. એજન્સીએ કહ્યું હતું કે, આ આપદાની સૌથી વધુ અસર એ વિસ્તારોમાં જોવા મળી છે જે `રેડ હીટ એલર્ટ’ પર હતા, જેમાં ઇલે-ડી-ફ્રાન્સ, નુવેલ-અકિટેન, બ્રિટની, સેન્ટર-વૈલડી લોયર, નોર્મડી, પેસ-ડી-લા-લોયરનો સમાવેશ થાય છે. આ સપ્તાહે ફ્રાન્સના 30થી વધુ વિભાગમાં `રેડ હીટ એલર્ટ’ રહ્યું હતું. બુધવારને સૌથી ગરમ દિવસના રૂપમાં નોંધવામાં આવ્યો હતો. જ્યારે 24 કલાકનું સરેરાશ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યું હતું.