રાતના અંધારામાં વિખેરાઈ ગયેલી હસ્તી રમતી દુનિયા: ઊંટ સાથે ટકરાઈ કાર, એક જીવ છીનવાયો, પાંચ જિંદગી મોત સામે ઝઝુમે!

ખંભાળિયા થી દ્વારકા હાઇવે. રાતના સાડા નવ વાગ્યાનો સમય. એક પરિવાર પોતાની કારમાં દ્વારકાધીશના દર્શને જઈ રહ્યો હતો. કારમાં હાસ્યના ફુવારા ઉડતા હતા. બાળકો આગળની સીટ માટે ઝઘડતા હતા. કોણ જાણતું હતું કે આ હાસ્ય થોડી જ વારમાં ચીસોમાં ફેરવાઈ જશે.
અચાનક હાઇવેના અંધારામાંથી મોત બનીને એક ઊંટ રસ્તા વચ્ચે આવી ચડ્યું. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલા કાર સીધી ઊંટ સાથે ટકરાઈ. ધડાકો એટલો જોરદાર હતો કે આજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકો પણ દોડી આવ્યા.
એક જ પળમાં કારનો ભુક્કો બોલી ગયો. આગળની સીટ પર બેઠેલા નું માથું સ્ટિયરિંગ સાથે અથડાતા ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું. પાછળ બેઠેલી તેમની પત્ની, બે બાળકો અને ભાઈ ભાભી લોહીલુહાણ હાલતમાં કારમાં જ ફસાઈ ગયા.
108ની ટીમ પહોંચી ત્યારે દૃશ્ય જોઈને તેમની આંખો પણ ભીની થઈ ગઈ. એક તરફ પિતાનો નિશ્ચેત દેહ પડ્યો હતો અને બીજી તરફ છ વર્ષનો દીકરો રડતા રડતા પૂછી રહ્યો હતો, “પપ્પા ઉઠો ને, આપણે દ્વારકા જવાનું છે ને.”
પાંચેય ઘાયલોને ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. બેય બાળકોની હાલત નાજુક છે. માતા ભાનમાં આવે છે અને ફરી બેભાન થઈ જાય છે. તેના મોઢે માત્ર એક જ વાક્ય છે, “મારા ઘરનો મોભી ચાલ્યો ગયો.”
રસ્તા પર ઊંટ પણ તડપીને મરી ગયું. એક મૂંગું પ્રાણી અને એક આખું કુટુંબ. બેય આ તંત્રની બેદરકારીનો ભોગ બન્યા. હાઇવે પર ન લાઈટની વ્યવસ્થા છે, ન રખડતા ઢોરને રોકવાનો કોઈ બંદોબસ્ત.