અમેરિકા અને ઈરાન હુમલા રોકવા સહમત

છેલ્લા ત્રણ દિવસથી સામસામા હુમલા કરીને ઉચાટ સર્જનાર અમેરિકા અને ઈરાને સોમવારે સૈન્ય હુમલા રોકવા પર સહમતી સાધી હતી. આવતીકાલે મંગળવારે કતરમાં બન્ને દેશના પ્રતિનિધિઓ વચ્ચે ફરી વાતચીતનો દોરો સધાશે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, 17મી જૂનના થયેલી સમજૂતીનાં તમામ બિન્દુ પર વાતચીત જારી રહેશે. સમજૂતી હેઠળ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલાં જહાજોની અવરજવર રોકાશે નહીં. તાજા દિવસોમાં આખી દુનિયા માટે મહત્ત્વના આ જળમાર્ગના મુદ્દે જ બન્ને દેશ વચ્ચે તાણ વધી ગઈ હતી. આખરે ફરી અમેરિકા અને ઈરાન સૈન્ય કાર્યવાહી રોકી, સમાધાન સંવાદનાં માધ્યમથી શોધવા માટે સહમત થયાં છે. દરમ્યાન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે, કતરમાં ફસાયેલા 12 અબજમાંથી છ અબજ ડોલર જલ્દી જારી કરાશે. તેલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર પર લાગેલા પ્રતિબંધ હટાવાથી દેશની અર્થવ્યવસ્થાને રાહત મળશે, તેવું તેમણે કહ્યું હતું. બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત માઈક વોલ્ટઝે જણાવ્યું હતું કે, હોર્મુઝ પર ઈરાનની પકડ સતત નબળી પડતી જાય છે. દરમ્યાન, કેટલાક અહેવાલો અનુસાર ઈરાનના નાયબ વિદેશમંત્રી કાજેમ ગરીબાબાદીએ કહ્યું હતું કે, દોહામાં બેઠક થશે તેવા અહેવાલો સાચા નથી. બેઠક ત્યારે જ થશે જ્યારે તમામ જરૂરી શરતો પૂરી થશે. ઈરાન અને ઓમાન વચ્ચે સોમવારે સંયુક્ત હોર્મુઝ સમિતિની પહેલી બેઠક યોજાઈ હતી, જેમાં હોર્મુઝ સ્ટ્રેટનાં સંચાલન પર ચર્ચા થઈ હતી.