પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તેલીબિયાં પાકોના વાવેતર વિશેની શ્રેણીમાં આવો જાણીએ દિવેલા વિશે
જરાત રાજ્યના ખેડૂતોને વધુ ઉત્પાદન લેવા દિવેલાની જીયુસી-૧, જીસી ૨ અને જીસી ૩ જેવી સુધારેલ જાતો વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે.
બીજ સંસ્કાર અને ઘન જીવામૃત :-
સારા ઉગાવા, રોગ-જીવાત સામે રક્ષણ મેળવવા અને સારું ઉત્પાદન મેળવવા દિવેલાના બીજને બીજામૃતથી સંસ્કારીત કરવા. બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું. બીજામૃતની માવજતથી ઉગાવો ઝડપથી અને સારો થાય છે ઉપરાંત પાકને જમીનજન્ય રોગોથી બચાવી શકાય. વાવેતર સમયે ૧૦૦0 કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખો. પાક અવશેષોનું મલ્ચીંગ કરવું, ત્યારબાદ મહિનામાં એકવાર જમીન ઉપર ૨૦૦ લિટર જીવામૃત પ્રતિ એકર છાંટો અથવા જીવામૃત પાક ઉપર છાંટો.
વાવણી સમય:
પિયત ખેતી માટે દિવેલાની વાવણી ૧૫મી ઓગસ્ટની આજુબાજુ અને બિનપિયત દિવેલાની જુલાઇ માસમાં પૂરતો વરસાદ થયે વાવણી કરવામાં આવે છે. દિવેલાની જીએયુસીએચ-૧ જીસીએચ-૭ અને જીસીએચ-૮ જાતોનું વાવેતર જુલાઈ ઓગસ્ટ માસમાં ૧૨૦x ૯૦ સેન્ટીમીટરના અંતરે કરવું.
• રાસાયણિક ખેતીમાથી પ્રાકૃતિક ખેતીમાં આવીએ ત્યારે પ્રથમ વર્ષમાં જમીનને જીવંત બનાવવાનો પ્રયત્ન કરવો.
• પાક લીધા પહેલા લીલા ખાતરના રૂપમાં શણ કે ઈક્કડ કે કઠોળનો પાક લેવો.
• યોગ્ય સમય પર જીવામૃત પાકને આપતાં રહો.
જીવામૃતનો જમીનમાં ઉપયોગ
વાવેતર બાદ એક એકર જમીનમાં ૨૦૦ લિટર જીવામૃત પાણી સાથે આપવું. ત્યાર બાદ મહિનામાં બે વાર ૨૦૦ લિટર જીવામૃત પ્રતિ એકર પ્રમાણે જમીનમાં આપવું અથવા પિયતના પાણી સાથે આપવું.
જીવામૃતનો પાક ઉપર છંટકાવ
પ્રથમ છંટકાવ:-
વાવેતરના એક મહિના પછી ૫ લિટર જીવામૃતને ૧૦૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો
બીજો છંટકાવ:-
પહેલા છંટકાવના ૨૧ દિવસ પછી ૭.૫ લિટર જીવામૃતને ૧૨૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો
ત્રીજો છંટકાવ:-
બીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૦ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો
ચોથો છંટકાવ:-
ત્રીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૫ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો
પાંચમો છંટકાવ:-
ચોથા છંટકાવના ૨૧ દિવસ બાદ 3 લિટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો
છઠ્ઠો છંટકાવ :-
પાંચમા છંટકાવના ૨૧ દિવસ બાદ ૧૫ લીટર જીવામૃત ને ૧૫૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો
આંતર/મિશ્ર પાક:
દિવેલા ઓગસ્ટ મહિનામાં તથા પહોળા અંતરે વાવવામાં આવતો પાક હોવાથી તેમાં ટૂંકાગાળાના ચોમાસુ પાકો લઈ વધારે આવક મેળવી શકાય છે. મગ, સૂર્યમુખી, સોયાબીન, અડદ, તલ, કપાસ તથા મગફળી સાથે દિવેલાનો આંતરપાક ખૂબ જ સરળતાથી લઈ શકાય છે.
ચોમાસાના પાકોને ભલામણ કરેલા સમયે ૫ કે ૬ ફૂટના અંતરે એક લાઇન દિવેલાની વાવણી કરવામાં આવે છે. ત્યારબાદ ઓગસ્ટ માસના બીજા પખવાડિયા દરમિયાન ખાલી રાખેલ લાઇનમાં દિવેલાની વાવણી બે છોડ વચ્ચે ૬૦ થી ૭૫ સે.મી. અંતર રાખીને કરવામાં આવે છે. ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં દિવેલા અને મગફળી (૧:૩)ની વાવણી કરવી.
(ક) ચૂસીયા પ્રકારની જીવાત : ચૂસીયા પ્રકારની જીવાત માટે નિમાસ્ત્રનો ઉપયોગ કરો.
(ખ) લીમડાનું તેલ પણ વાપરી શકાય છે. ૨૦ મિલી લીમડાનું તેલ પ્રતિ ૧૦ લીટર પાણી સાથે મિશ્રિત
કરી છંટકાવ કરવો.
(ગ) કૃમિ (સુંડી) : ૩ લીટર બ્રહ્માસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં ભેળવી એક એકરમાં છંટકાવ કરવો.
(ઘ) થડ વેધક, ફળ વેધક, કૃમિ માટે : ૩ લીટર અગ્નિઅસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક
એકરમાં છંટકાવ કરવો.
(૨) ફૂગના રોગ : ફૂગ અને વાયરસ ધ્વારા ફેલાતા રોગોના નિવારણ માટે ૩ લીટર ખાટી છાશમાં ૧૦૦
લીટર પાણી મેળવી છંટકાવ કરો. ખાટી છાશ ૩ થી ૪ દિવસ જૂની હોવી જોઈએ.