ગાંધીધામ જનરલ હોસ્પિટલ ખાતે “નમો સ્વચ્છતા અભિયાન”નો રાજ્યકક્ષાનો પ્રારંભ

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં તા. 01 જુલાઈથી 07 જુલાઈ, 2026 દરમિયાન આયોજિત “નમો સ્વચ્છતા અભિયાન”નો રાજ્યકક્ષાનો પ્રારંભ આજે ગાંધીધામ જનરલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો. જાહેર આરોગ્ય સંસ્થાઓને વધુ સ્વચ્છ, સુરક્ષિત, દર્દી-મૈત્રીપૂર્ણ તથા ગુણવત્તાસભર બનાવવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીનગરથી યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય આરોગ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વર્ચ્યુઅલ માધ્યમથી માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે “અમૃતપાન અભિયાન”નો પણ રાજ્યકક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં ભુજના રામબાગ ખાતે જિલ્લા કક્ષાના વર્ચ્યુઅલ જોડાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાંથી જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાયા હતા. ગાંધીધામ જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીધામ મહાનગરપાલિકાના મેયરશ્રી શ્રીમતી દિવ્યાબેન નાથાણી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતી પ્રભાબેન હુણ, માંડવી નગરપાલિકાના પ્રમુખશ્રી, ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરશ્રી શ્રી નવીનભાઈ જરૂ, ગાંધીધામ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી શ્રી તેજસભાઈ શેઠ, ગાંધીધામના ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી શ્રી રમેશભાઈ મહેશ્વરી, એસ.ડી.એમ. શ્રી સુરેશ ચૌધરી, મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી શ્રી સંજયભાઈ રામાનુજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરી, ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (CDMO) ડૉ. કિશોર રોય, મામલતદારશ્રી શ્રી જાવેદ સિંધી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અમીન અરોરા, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. મનોજ દવે, એમ.ઓ.એચ. ડૉ. દિનેશ સુતરીયા, ગાંધીધામ જનરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. હરીશ માટાણી,
કોર્પોરેટરશ્રીઓ, રોગી કલ્યાણ સમિતિના સભ્યો સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યા બાદ તમામ ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ તથા આરોગ્યકર્મીઓને સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોએ ગાંધીધામ જનરલ હોસ્પિટલના વિવિધ વિભાગો, વોર્ડ, ઓપીડી તથા અન્ય સુવિધાઓની મુલાકાત લઈ સ્વચ્છતા, ચેપ નિયંત્રણ, દર્દી સુવિધાઓ અને હોસ્પિટલમાં ચાલી રહેલી આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનુભાવો તથા આરોગ્ય કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે હોસ્પિટલના તમામ તબીબોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમની નિષ્ઠાપૂર્વકની આરોગ્ય સેવાઓની
પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે દર્દીઓને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી એ દરેક આરોગ્ય સંસ્થાની પ્રાથમિક જવાબદારી છે. હોસ્પિટલોમાં નિયમિત સ્વચ્છતા જાળવવાથી ચેપજન્ય રોગોના જોખમમાં ઘટાડો થાય છે, દર્દીઓમાં વિશ્વાસ વધે છે તેમજ આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં વધારો થાય છે. “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત તા. 01 થી 07 જુલાઈ, 2026 દરમિયાન રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં નિયમિત સફાઈ, બાયો મેડિકલ વેસ્ટનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન, ચેપ નિયંત્રણ, દર્દી સુવિધાઓમાં સુધારો, પર્યાવરણ સંરક્ષણ, જનજાગૃતિ તથા જનભાગીદારીને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
કાર્યક્રમના અંતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓને અભિયાનને સફળ બનાવવા, આરોગ્ય સંસ્થાઓમાં સતત સ્વચ્છતા જાળવવા તથા નાગરિકોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા માટે સક્રિય કામગીરી કરવાની અપીલ કરવામાં આવી હતી.